મીઠીરોહરમાં તેલચોરીના ધંધાનો પર્દાફાશ: 5,91,900નો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મીઠીરોહર જી.આઈ.ડી.સી. પાસે પહોચતા તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઈલીયાસ દાઉદ કોરડીયા (રહે. સીધેશ્વાર પાર્ક, મેઘપર) પોતાના આર્થિક ફાયદા માટે કંડલાથી ટેન્કરોમાં કૂડ પામ ઓઇલ ભરી જતાં ટેન્કરમાથી ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી તેલની ચોરી કરાવી પોતાની માલિકીના જી.આઈ.ડી.સી પ્લોટ નં.56માં રાખેલ ટેન્કરમાં સંગ્રહ કરે છે. બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી ઈલીયાસ દાઉદ કોરડીયાને ઝડપી પાડ્યો હતો. પોલીસે પ્લોટમાં તપાસ કરતાં બાથરૂમ પાસે બ્લોકનું સ્ટેન્ડ બનાવી તેના ઉપર ટેન્કર મૂકવામાં આવ્યું હતું. 20,000 લિટરવાળા આ ટેન્કરમાં (સી.પી.ઓ.) પામ ઓઈલ ભરેલું હોવાનું તથા તેના વાલ્વમાં વીજ મોટર બેસાડી પાઈટ થકી અન્ય વાહનોમાં ભરવા ખેંચવાની વ્યવસ્થા હોવાનું સામે આવ્યું હતું તથા ટેન્કર નંબર જી.જે. 12 એક્સ-1645માં પણ વાલ્વમાં મોટર અને પાઈપ બેસાડેલા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસે આરોપીની પૂછપરછ કરતાં આ મોટર વડે ટેન્કમાં ભરેલ સી.પી.ઓ ટ્રક ટેન્કરમાં ભરી અન્ય જગ્યાએ લઈ જવા માટે ક્રોસિંગ કરવા માટે લગાડેલ હોવાનું અને ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી તેલ ચોરી કરી હોવાની કેફિયત આપી હતી. પોલીસે 960 લિટર તેલ કિ.રૂ.84,600 તથા લોખંડનો 20,000 લિટરની ક્ષમતાનો ખાલી ટેન્કર કિ.રૂ.1,00,000 તથા ટેન્કર GJ-12-એક્સ-1645 કિ.રૂ.4,00,000, ઇલેક્ટ્રીક મોટર પ્લાસ્ટિકનો પાઇક કિ.રૂ.5,500 મળી કુલ.કિ.રૂ. 5,91,900નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. ગાંધીધામ બી.ડિવિજન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.