ભુજમાં યુવકને માર-મારી ધમકી આપતા 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

ભુજમાં 4 શખ્સો યુવકને તું કેમ પોલીસમાં અરજી આપે છે કહી ગાળો આપી પૈસાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ઘટના ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.  

આ અંગે ફરિયાદ નોંધાવતાં મકબુલભાઈ ગુલામ હુશેન સમાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, સવારે આશરે સાડા સાતેક વાગ્યાના અરસામાં તેઓ અમનનગર ચાર રસ્તા પાસે મિત્રની હોટલ પર ચા પીવા ગયેલ હતો. તે સમયે અબ્બાસ મોખા તથા અલ્તાફ મોખા તથા રીઝવાન મોખા તથા તેની સાથે બે અજાણ્યા શખ્સો કાર અને બુલેટ થી આવ્યા અને ફરિયાદીની પાસે આવીને કહેવા લાગેલ કે અમે જે કામ કરીએ છીએ તેની અરજી તમે પોલીસને કેમ કરો છો તેવું કહી ગાળો આપી ખોટી રીતે પૈસાની માંગણી કરવા લાગ્યા હતા. ફરિયાદીએ આ શખ્સોને ગાળો આપવાની ના પાડતા ત્રણેય જણા ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને હાથના મુકકા તથા લાતો વડે માર મારવા લાગ્યા હતા. ઉપરાંત માથાના પાછળના ભાગે ધોકા વડે તેમજ અબ્બાસ મોખાએ પગના ભાગે હાથમાં રહેલ કુહાડી ઊંધી કરી માર માર્યો હતો. આ દરમિયાન રાડારાડ થતાં આસપાસના લોકો એકત્ર થઈ જતાં ફરિયાદીને વધુ મારથી છોડાવ્યો હતો. આ શખ્સો જતાં જતાં ફરિયાદીને ધમકી આપી હતી કે, તારે જ્યાં જવું હોય ત્યાં જજે પોલીસને ફરિયાદ કરીશ તો પણ અમારું કાઇ થશે નહિ અને બીજી વાર પોલીસને અમારી અરજી આપીશ તો તને જાનથી મારી નાખીશું કહી ત્યાથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ફરિયાદીને સારવાર અર્થે જી.કે જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.