ભચાઉના યુવક પાસેથી વ્યાજના નાણાંની માંગણી કરી ધમકીઓ આપતા 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
આ અંગે રામમંદિરવાસ ભવાનીપુર ભચાઉમાં રહેતા ગોવિંદભાઈ ભાણજીભાઇ પ્રજાપતીએ જયદેવ દિનેશભાઈ રાજગોર, જીગર દિનેશભાઈ રાજગોર તથા વામકા ગામના હિતેન્દ્રસિંહ નવુભા જાડેજા વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમના પત્ની માયાબેન બીમાર રહેતા હોય તેની સારવાર અર્થે પૈસાની જરૂર હોતા ફરિયાદીએ દિનેશ રાજગોર રહે. ભવાનીપુર ભચાઉવાળા પાસેથી 2,50,000 રૂપિયા 10 ટકાના વ્યાજે લીધેલ હતા. ત્યારબાદ 1,00,000 રૂપિયા 5 ટકાના દરે લીધા હતા અને સિક્યુરિટી પેટે આશરે 2 તોલાની સોનાની ચેઇન અડાણે આપેલ હતી. બાદમાં વધુ પૈસાની જરૂર પડતાં તેમણે આરોપી પાસેથી 5,50,000 રૂપિયા 10 ટકાના વ્યાજે લીધેલ અને સિક્યુરિટી પેટે એક તોલાનો સોનાનો સિક્કો અડાણે આપેલ હતો. ત્યારબાદ 2,00,000 રૂપિયા 10 ટકાના દરે અને બાદમાં 3,00,000 રૂપિયા 5 ટકાના દરે વ્યાજે લઈ સોનાનો હાર તથા બુટ્ટી અડાણે આપેલ હતા. ફરિયાદીએ વધુમાં 15,00,000 રૂપિયા 8 ટકાના દરે તો 5,00,000 રૂપિયા જયદેવ પાસેથી 5 ટકાના દરે વ્યાજે લીધેલ હતા. અને નિયમિતરીતે વ્યાજ ચેકવેલ હતો. ત્યારબાદ ફરિયાદીને વધુ પૈસાની જરૂર વાર્તાતા આરોપી પાસેથી 20,00,000 રૂપિયા ત્યારબાદ 21,00,000 રૂપિયા તો ત્રીજી વાર 5,00,000 રૂપિયા મળી કુલ 80,00,000 રૂપિયા જયદેવ રાજગોર પાસેથી લીધેલ હતા. ફરિયાદીએ ટુકડે ટુકડે કરી 51,50,000 રૂપિયા પરત કરેલ હતા અને 44,00,000 રૂપિયા વ્યાજ મળી કુલ 95,50,000 રૂપિયા જયદેવને આપેલ છે. ફરિયાદીએ આરોપીને સહી કરી બેન્ક ઓફ ઇન્ડિયાના 10 ચેક આપેલ હોવા છતાં આરોપી 34,00,000 રૂપિયાની બળજબરી પૂર્વક માંગણીઓ કરે છે.
આરોપી જયદેવના ભાઈ જીગર તથા વામકા ગામના હિતેન્દ્રસિંહ નવુભા જાડેજા ફોન દ્વારા તથા ઘરે આવી રૂપિયાની ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે. ઉપરાંત અડાણે રાખેલ સોનાના દાગીના પણ પરત કરેલ નથી. ફરિયાદીએ મુદ્દત અનુસાર રૂપિયા આપીશ નહિતર પોતાના મકાનનો દસ્તાવેજ અથવા સ્કોપ ગાડી આપી દેવાની વાત કરવા છતા ફરિયાદીને રૂપિયા બાબતે ધમકીઓ આપી હેરાન કરતાં 3 શખ્સો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.