રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

887ef512-bae7-4225-a962-078972d576c7

જેમાં ઘટનાસ્થળે જ હર્ષ દાવડા નામના યુવાનનું મોત નીપજ્યું હતું. ઓવરબ્રિજ નજીક મહાનગરપાલિકા દ્વારા રસ્તા પર કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. પરંતુ ડાયવર્ઝન મૂકવામાં ન આવતા બાઇક ચાલક હર્ષ ખાડામાં પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. ખાડામાં લોહીનું ખાબોચિયું પણ ભરાય ગયું હતું. પોલીસે હર્ષના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હર્ષના પિતાએ ચોધાર આંસુ સાથે રડતાં રડતાં જણાવ્યું હતું કે, મને છાતીમાં દુખાવો ઉપડ્યો છે.રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જથી ઇન્દિરા સર્કલ તરફ જતા રસ્તા પર ઓવરબ્રિજ શરૂ થતી જગ્યાએ ઓવરબ્રિજ પર હેવી વાહન ન જાય તે માટે ગડર મૂકવાની કામગીરી ચાલી રહી છે. આ માટે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. આજે સવારના સમયે હર્ષ દાવડા નામનો યુવાન બીજા વાહનને ઓવરટેક કરવા જતો હતો તે સમયે ખાડામાં પટકાયો હતો. ખાડામાં પડતાની સાથે જ યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.બનાવ બનતાની સાથે જ રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને ખાડામાંથી બહાર કાઢી રિક્ષામાં સરકારી હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર હર્ષ પરિવારનો એકનો એક લાડકવાયો દીકરો હતો. જેને ગુમાવતા પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે.હર્ષના પિતા અશ્વિનભાઈ ચોધાર આંસુએ રડતા રડતા જણાવ્યું હતું કે, મારો દીકરો સવારે જોબ કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. થોડીવાર પછી ફોન આવ્યો કે બાઇકના વ્હિલની ટ્યૂબ ફાટી ગઈ છે તો ટ્યૂબ નખાવવી પડશે. આથી ટ્યૂબ નખાવ્યાની 15 મિનિટ પછી મારા પર ફોન ન આવ્યો. આથી મેં રિપીટ ફોન કર્યો તો રિસિવ ન થયો. થોડીવાર પછી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે, તમારા દીકરાનો ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત થયો છે.અશ્વિનભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આથી હું તાત્કાલિક ભાગ્યો અને ત્યાં જઈને જોયું તો દીકરો ખાડામાંથી બહાર પડ્યો હતો. 108 પણ પડી હતી, તેઓએ મને કહ્યું કે, હવે તમારો દીકરો જીવતો નથી. બાઇક ખાડામાં પડ્યું હતું. આજુબાજુ પૂછ્યું તો ખાડામાંથી તમારા દીકરાને બહાર કાઢ્યો છે, તમારા દીકરાના કાનમાંથી લોહી નીકળ્યું હતું અને તેના કારણે તેનો જીવ ગયો હશે તેવું એ લોકોએ કહ્યું હતું. બાકી કોઈ વિગત તે લોકોએ જણાવી નથી. મને પણ છાતીમાં દુખાવો થતા સિવિલમાં ઇમરજન્સી વોર્ડમાં આવ્યો છું.આ ઘટનાને લઈને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સિટી એન્જિનિયરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સ્થળ પર ચેકિંગ કરવાનું કહેવામાં આવ્યું છે. એજન્સી દ્વારા સેફ્ટી રીબીન લગાવવામાં આવી હતી. અન્ય સેફ્ટીના સંશાધનોની જરૂરિયાત હતી કે કેમ તે બાબતે તપાસ કરવામાં આવશે. સમગ્ર બનાવમાં એજન્સીની બેદરકારી જણાશે તો તેમના વિરૂદ્ધ પગલા લેવામાં આવશે. ગડર લોન્ચિંગના કારણે ખાડો કરવામાં આવ્યો હતો.