આગ બુઝાવવાની કામગીરી દરમિયાન હાથમાં સેફ્ટી બોટલ ફાટતાં રેલવે કર્મીનું મોત

ગાંધીધામ રેલવે પીટ લાઇન પાસે સૂકા ઝાડમાં લાગેલી આગ બૂઝાવી રહેલા રેલવે કર્મીના હાથમાં રહેલી ફાયર સેફ્ટી બોટલ ફાટતાં ગંભીર ઇજાઓને કારણે અરેરાટી ભર્યું મોત નિપજ્યું હોવાની ઘટના નોંધાઇ છે. આ અંગે રેલવે પોલીસના સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, આ બનાવ ગઈકાલે બપોરે બે વાગ્યાના અરસામાં રેલવે 5 પીટલાઈન વિસ્તારમાં બન્યો હતો. પીટલાઈન પાસે આવેલા સૂકા ઝાડમાં આગ લાગી હતી. આ આગ વધતાં હતભાગી કર્મચારીએ ફાયર એક્ઝેક્યુશનથી આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આ દરમ્યાન બાટલો જમીનમાં પછાડાતાં અચાનક ફાટયો હતો અને તેનું મોઢું ફાયર એક્ઝેક્યુશનની નજીક જ હતું. જેથી જડબામાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. અવાજના કારણે અન્ય કર્મચારીઓમાં ભય પ્રસર્યો હતો. ગંભીર હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ સારવાર મળે તે પૂર્વે જ યુવાને દમ તોડી દીધો હતો. મૂળ બિહારના જમ્મુઈનો વતની રેલવેમાં સી.એન્ડ ડબલ્યુ. (કેર એન્ડ વેગન્સ) મિકેનિકલ વિભાગમાં ફરજ બજાવતો હતો. પરિવારની જવાબદારી તેના શિરે હતી. છ મહિનાની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. મૃતદેહને વતન પહોંચાડવા માટે સૌ રેલવે કર્મચારીઓએ આર્થિક સહયોગની વ્યવસ્થા કરી હતી. આ બનાવના પગલે રેલવે કર્મચારીઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. હાલ આ ઘટનામાં તપાસ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શામળાભાઇ ગોપાલભાઇ ગઢવી ચલાવી રહ્યા છે.