ગાંધીધામમાં 2 શખ્સોએ પૂર્વ કાવતરું રચી, યુવક પર ફાયરિંગ કરી રૂપિયા 40 લાખની લૂંટ ચલાવી ફરાર
ગાંધીધામમાં એક યુવકના ઘરના ગેટની અંદર આવી 2 શખ્સોએ યુવક સાથે ઝપાઝપી કરી બંદૂક વડે ફાયરિંગ કરી, ઇજા પહોચાડી યુવક પાસે રહેલ 40 લાખ રૂપિયા ભરેલ બેગની લૂંટ આચરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે.
આ અંગે ગાંધીધામમાં બી/150 અપનાનગરમાં રહેતા ઉત્તમભાઈ રતિલાલભાઈ પ્રજાપતિએ ગાંધીધામ એ. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, ગઈ કાલે તેઓ સવારે નિત્યક્રમ અનુસાર આંગડિયા પેઢીમાં નોકરી પર ગયા હતા. બાદમાં સાંજના આશરે સાડા સાતેક વાગ્યાના અરસામાં આંગડિયા પેઢીની ઓફિસથી 40,00,000 લાખ રૂપિયા ભરેલ બેગ લઈને ઘરે જવા માટે નીકળ્યા હતા. રાત્રિના પોણા આઠેક વાગ્યાના અરસામાં ઘરે પોચી ઘરનો ગેટ બંધ કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન બે અજાણ્યા શખ્સો ગેટની અંદર પ્રવેશ્યા હતા. પહેલા ઉભેલ શખ્સે ફરિયાદી સામે બંદૂક તાકી કહેલ કે, તારી પાસે રહેલ બેગ અમને આપી દે. ફરિયાદીએ આરોપીના હાથમાં રહેલ બંદૂક ડાબા હાથથી પકડતા તેમની વચ્ચે ઝપાઝપી થતાં તે શખ્સે બંદૂકમાથી ફાયરિંગ કરી ફરિયાદીના જમણા પગમાં ગોળી મારી જીવલેણ હુમલો કર્યો હતો. અજાણ્યા બે શખ્સોએ ફરિયાદી પાસે બેગ ખેચવાનો પ્રયત્ન કરી ફરિયાદીને નીચે બેસાડી બંદૂકધારી શખ્સે ફરિયાદીના માથા પર બંદૂક તાકેલ અને બીજા શખ્સે ફરિયાદીના ખંભે લટકાવેલ એરિસ્ટ્રોક એર કંપનીનું કાળા કલરનું બેગના પટ્ટા ઉપર છરી મારી રોકડા રૂપિયા ભરેલ ભેગ લઈને નાસી ગયા હતા. આ બંને આરોપી શખ્સો મધ્યમ બાંધાના તથા અંધારું હોવાથી બંનેએ પહેરલ કપડાં કાળા કલરના દેખાઈ રહ્યા હોવાનું ફરિયાદીએ જણાવ્યુ હતું. ફરિયાદીને ઇજાઓ પહોચતા તેમને ગાંધીધામ મધ્યે આવેલ વોરા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યાથી વધુ સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર મધ્યે રિફાર કરાયા હતા. આ અંગે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.