શિણાયના જંગીવાડી વિસ્તારમાં 3 યુવકને માર મારતા 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

આ અંગે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં દેવેન્દ્ર બાબુભાઈ દાફડાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ તા. 29-1ના પોતાના મિત્ર હાર્દિક અને પ્રિન્સ સાથે શિણાયના જંગીવાડી વિસ્તારમાં ડુંગર પર ફરવા ગયા હતા. સાંજના આશરે સવા છએક વાગ્યાના અરસામાં પ્રિન્સની કારની ડીકીમાં ફરિયાદી  અને પ્રિન્સ બેઠા હતા અને હાર્દિક બાજુમાં ઊભો હતો અને બંને વારાફરતી ભોપુ વગાડી રહ્યા હતા. તે દરમિયાન સામેની સાઈડના ડુંગર પર સફેદ કલરની મહિન્દ્રા કંપનીની ટી.યુ.વી 300 કારમાં બેસેલ વિશાલ ગઢવી જે ગોલ્ડન સિટીમાં રહે છે તેની સાથે આદિપુરમાં રહેતો દિનેશ ગઢવી અને એક અજાણ્યો શખ્સ ત્યાં ફરિયાદની પાસે ગયેલ અને ગાળો આપી ભોપુ શા માટે વગાડો છો કહેવા લાગ્યા હતા. ત્યારે વિશાલ ગઢવીએ હાર્દિકને કમરમાં પહેરવાના બેલ્ટથી માર મારવા લાગેલ અને તેની સાથે રહેલ અજાણ્યા શખ્સે પણ બેલ્ટ વડે પ્રિન્સને માર માર્યો હતો તો આ ત્રણેય આરોપીએ ફરિયાદીને ગાડીની ડીકીમાથી બહાર કાઢી બેલ્ટ તથા કારમાં રહેલ હથોડી વડે માર મારવા લાગ્યા હતા. આ ત્રણેય શખ્સો જતાં જતાં ધમકી આપી હતી કે બીજીવાર દેખાણા છો તો પતાવી નાખશુ કહી કાર લઈ આદિપુર તરફ જતાં રહ્યા હતા. ત્રણેયને સારવાર અર્થે આદિપુર મધ્યે આવેલ રામબાગ હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.