નખત્રાણામાં પાર્ક કરેલ ત્રણ ટ્રકોમાથી 27000ના ડિઝલની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

નખત્રાણા મધ્યે આવેલ એસ.એસ.સી.ટી. માર્કેટમાં આવેલ ગેરેજની બહારના ભાગે પાર્ક કરવામાં આવેલ ત્રણ ટ્રકોની ડિઝલની ટાંકીમાથી આશરે 300 લીટર ડીઝલ ચોરી થયું હોવાની ફરિયાદ નખત્રાણાના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગે ફરિયાદ નોંધાવતાં ફીરોજ અભુભખર કુંભારે જણાવ્યુ હતું કે, તેઓ એસ.એસ.સિટી મધ્યે આવેલ ગેરેજ ચલાવે છે. ફરિયાદીએ પોતાની તેમજ તેમના મોટા ભાઈ અને કાકાની ટ્રકો તા.28-1ના સાંજના છએક વાગ્યાના અરસામાં ગેરેજના બહારના ભાગે પાર્ક કરેલ હતી. ત્યારબાદ બીજા દિવસે તા.29-1ના રાબેતા મુજબ ફરિયાદી ગેરેજ જઈ જોતાં તેમની ટ્રકની ડિઝલની ટાંકીનો લોક તૂટેલ હાલતમાં જોવા મળ્યો હતો અને ડીઝલ નીચે ઢોળાયેલું જોવા મળ્યું હતું. બાદમાં બીજી બંને ટ્રકોમાં જોતાં તેની પણ ટાંકીઓના તાળાં તૂટેલ અને ડીઝલ ઢોળાયેલ નજરે પડ્યું હતું. જેથી ત્રણેય ટ્રકોમાથી આશરે 300 લીટર કિ.રૂ.27000 હજારના ડિઝલની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. નખત્રાણા પોલીસે અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.