ભૂજ શહેરના અલગ અલગ વિસ્તારમાં સમયાંતરે સર્જાતી ગટર સમસ્યાથી શહેરીજનો પરેશાન

ભુજમાં શહેરિજનો માટે ગટર સમસ્યા હવે મુખ્ય પ્રશ્ન બની ગયો છે. શહેરના એક બાદ એક વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર ઉભરાઈ આવે છે. સપ્તાહ પૂર્વે હોસ્પિટલ રોડ બાદ આજે શહેરના હાર્દ સમાં જ્યુબિલી સર્કલ પાસે ગટરના દુર્ગંધ મારતા પાણી વહી નીકળ્યા છે. દિવસભર લોકોની ચહલ પહલથી વ્યસ્ત રહેતા સર્કલ પર દૂષિત પાણી ચડી આવતા પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક સુધારાઈ માટે પણ ગટર સમસ્યા એક સાંધે ત્યાં તેર તૂટે જેવો તાલ સર્જી રહી છે. અલબત્ત ગટર અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાનો લાભ કાયમી ધોરણે મળતો રહે એવી લોક માંગ ઉઠવા પામી છે.

શહેરના વોર્ડ નંબર 1 અને 2માં સફાઈ અને ગટરની સમસ્યા અવારનવાર સર્જાતી રહે છે. પરંતુ હવે આ પ્રશ્ન શહેરના કોમર્શિયલ વિસ્તાર સુધી લોકોને અકળાવી રહ્યો છે. ગત તા. 21ના હોસ્પિટલ રોડ પરના ડો. નાણાવટીના ક્લિકનીક પાસે ગટરના પાણીએ જાહેર માર્ગને બાનમાં લીધો હતો, ત્યારે રાહદારીઓ માટે માર્ગ પસાર કરવો દુષકર બન્યો હતો. જ્યારે આજે શહેરના મુખ્ય કેન્દ્ર જ્યુબિલિ સસર્કલ પાસે આઇયા એપરમેન્ટ સામે ગટરની ચેમ્બર ઓવરફ્લો થતા દૂષિત પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે. થોડા સપ્તાહ પહેલા પણ આ સ્થળે ગટરના પાણીએ લોકો માટે ચાલવામાં મુશ્કેલી સર્જી હતી. દરમિયાન પાલિકા તંત્ર દ્વારા 20 વર્ષ જૂની નબળી પડી ગયેલી ગટર લાઈન બદલવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે. પરંતુ ત્યાં સુધીમાં નવા વિસ્તારોમાં આ સમસ્યા માથું ના ઊંચકે તે માટેના પ્રયાસો હાથ ધરે એવું લોકો ઇચ્છી રહ્યા છે.