ભુજ આર.ટી.ઓ. કચેરીમાં નવા અને રિન્યુ લાયસન્સ 6 મહિનાથી નથી મળ્યા


ભુજ તેમજ ગાંધીધામના અરજદારોને નવું લાયસન્સ બનાવવા તેમજ જુનું લાયસન્સ રિન્યુ કરાવવા ઉપરાંત અન્ય કામગીરી ઓનલાઈન કરવી પડે છે. પરંતુ, કચ્છમાં મોટાભાગના અરજદારો ઓનલાઈન કામગીરીથી માહિતગાર હોતા નથી. ફોર્મ કેમ ભરવું? ફી કઈ રીતે ભરવી, આ જટીલ પ્રક્રિયા પાર પાડી શકતા નથી. પરિણામે ફરજીયાત તેમણે એજન્ટોની મદદ લેવી પડે છે. પરંતુ, આરટીઓ કચેરીમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર બેઝ પર કામ કરતા કર્મચારીઓ યોગ્ય માર્ગદર્શન પુરુ પાડતા હોતા નથી અને દાદ પણ આપતા નથી. એજન્ટો મારફતે કામગીરી કરાવી લેવા જેવા રોકડા જવાબ આપી દે છે. જેથી, એજન્ટો અને કર્મચારીઓ વચ્ચે સાંઠગાંઠ હોય તેવું લાગે છે.
વધારામાં ફોર્મ અને ફી ભરવાની કાર્યવાહી (અરજી) થઈ ગયા પછી અને ડ્રાઈવીંગની ટ્રાય(પરીક્ષા) લેવાઈ ગયા પછી લાયસન્સ ગાંધીનગરથી ઈશ્યુ થતા હોઈ છ- છ મહિનાથી બાકી છે. અરજદાર આરટીઓમાં તપાસ કરે અથવા એજન્ટોને પુછે તો જવાબ મળે છે કે લાયસન્સ ગાંધીનગરથી ઈસ્યુ થતા નથી, બની જશે એટલે ટપાલ મારફતે તમને સરનામાં પર આવી જશે પરંતુ, હાલ છ છ મહિના પછી પણ ડ્રાઈવીંગ લાયસન્સ મળવાના બાકી છે.