રાપરમાં બંધ મકાનમાથી 77,700ની તસ્કરી થતાં ખળભળાટ

રાપરમાં ચોરે ઘરના ગેટનું તાળું તોળી અંદર પ્રવેશી કબાટમાં રાખેલ રોકડ રકમ તથા ચાંદીના સામાનની તસ્કરી કરતાં વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ અંગે એકતાનગર રાપરમાં રહેતા જયેશકુમાર કાંતિલાલ દોષીએ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર તેઓ તા. 29-1ના સાંજના ચાર વાગ્યાના અરસામાં પોતાના પરિવાર સાથે સુરત ગયા હતા. સુરત થી આજ રોજ સવારે નવેક વાગ્યાના અરસામાં ઘરે પરત ફરતાં મકાનનો મેઇન ગેટ દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. જેથી ફરિયાદીએ ઘરની અંદર જઈ જોતાં મેઇન ગેટનો લોક તૂટેલ નજરે પડ્યો હતો અને ઘરનો સરસામાન વેર વિખેર હાલતમાં નજરે પડ્યો હતો. તેમજ બેડરૂમના દરવાજાના લોક પણ તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા. ફરિયાદી જયેશકુમારે બંને બેડરૂમમાં જઈ તપાસ કરતાં કબાટ તેમજ લોખંડની તિજોરીઓ ખુલ્લી અને તૂટેલી જોવા મળી હતી. જેથી ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. બેડરૂમમાં કબાટમાથી ચાંદીના ચાર ગ્લાસ તથા એક જગ , ચાંદીનો એક ગ્લાસ, 21,000 રૂપિયા રોકડા, ચાંદીની બે લગડી, ચાંદીના સિક્કા મળી કુલ કિ.રૂ. 77,700ની તસ્કરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. રાપર પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.