અંજારના વરસામેડીમાં મકાનમાથી 8.50 લાખની તસ્કરી
અંજાર તાલુકાનાં વરસામેડીમાં ચોરે ઘરના કબાટનો લોક તોળી કબાટમાં રાખેલ રોકડા રૂપિયા 8,50,000 તથા સોના ચાંદીના દાગીનાની તસ્કરી કરી હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં હરીભાઈ શંભુભાઈ આહિરે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં ગાંધીધામ પોતાની દુકાને જવા નીકળ્યા હતા જ્યારે તેમના પરિવારના સભ્યો પ્રસંગે અંતરજાળ ગયા હતા. જ્યારે તેમનો ભાઈ કિશન બપોરના સાડા બારેક વાગ્યે ઘરને તાળું માર્યા વિના કામ અર્થે વેલ્સપન કંપનીમાં ગયેલ હતો. ત્યારબાદ ચોરે ઘરમાં ઘૂસી કબાટમાં રહેલ ગૌશાળાના રોકડા રૂપિયા 7,00,000 તેમજ ફરિયાદીના ઘરના રોકડા રૂપિયા 1,50,000 મળી કુલ 8,50,000ની તસ્કરીને અંજામ આપ્યો હતો. તેમજ તસ્કરોએ સામાજિક પ્રસંગે હાજરી આપવા આવેલ ફરિયાદીના બહેનના સોના -ચાંદીના દાગીનાની પણ ચોરી કરી હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.