ગાંધીધામમાં બે શખ્સોએ યુવક પર ધારિયા વડે જીવલેણ હુમલો કર્યો
ગાંધીધામમાં યુવક પર 2 શખ્સોએ ધારિયા વડે જીવલેણ હુમલો કરતા યુવકનો હાથ કપાઈ ગયો હતો. આ ઘટના અંગે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં વિશાલભાઈ ઉર્ફે લાલો બાબુભાઈ થરેસાએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ છઠ્ઠી ગલી ઈંદિરાનગરમાં રહે છે. તેમણે મૂળ મોરબીની કિંજલ ઉર્ફે રીઝવાના સાથે તેર વર્ષ અગાઉ કોર્ટ મેરેજ કરેલ છે.ફરિયાદીનો મિત્ર ઈશ્વર ઉર્ફે ભીખુ પુનાભાઈ મકવાણા ફરિયાદીના ઘરે અવાર-નવાર આવતો હતો અને ફરિયાદીને આ શખ્સના તેની પત્ની કિંજલ સાથે આડા સબંધો હોવાનો શક જતાં તેણે આરોપીને ઘરે આવવાની ના પાડેલ હતી. આ બાબતે બંને વચ્ચે અગાઉ બે-ત્રણ વખત બોલાચાલી પણ થયેલ છે. બે દિવસ પૂર્વે ફરિયાદીની પત્ની સામાનભરી ઘરેથી ચાલી ગયેલ હતી. અને આરોપી ઈશ્વર તેની સાથે હતો. જેથી ફરિયાદીએ આરોપીને તા.2-2ના સાંજના ફોન કરીને કહેલ કે તું મારી પત્નીને મૂકી દે અમારા લગ્ન જીવનમાં ભંગાણ કેમ પાડે છે. રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં ફરિયાદી બાઈક દ્વારા ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન હનુમાનજી મંદિરની સામે પહોચતા રોડ ઉપર આરોપી ઈશ્વર તથા તેનો મિત્ર લવકુમાર શામજી બંને હાથમાં ધારિયા લઈને ઉભેલા હતા. આરોપી ઈશ્વર ઉર્ફે ભીખુએ પોતાના હાથમાં રહેલ ધારિયું ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે મારવા જતાં ફરિયાદીનો જમણો હાથ આવી જતાં કોણીમાં ઉપરના ભાગે વાગતા ફરિયાદી નીચે પટકાઈ ગયા હતા. જ્યારે ઈશ્વર તથા લવકુમાર ફરિયાદીને માર મારવા લાગ્યા હતા. ફરિયાદી ઊભા થવા જતાં તેમનો જમણો હાથ લટકતો હતો અને લોહી નિકળી રહ્યું હતું. ત્યારબાદ બંને આરોપીઓ ત્યાથી નાસી ગયા હતા. ફરિયાદી પોતાના ઘર પાસે પહોચતા પડી ગયેલ હતા. તેમને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેઓ સારવાર દરમિયાન બેહોશ થઈ ગયેલ હતા. ફરિયાદી સવારે ભાનમાં આવતા પોતાનો હાથ બાવડાથી કપાયેલ જણાયો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.