અંજારના નાની નાગલપરમાં આવેલ જમીનના ખોટા દસ્તાવેજ બનાવી વેચાણ કરનાર 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

અંજારના નાની નાગલપર ગામમાં આવેલ સીમમાં સર્વે નં.42/3 ના ખોટા દસ્તાવેજ બનાવી વેચાણ કરવાનું કાવતરું રચનાર 4 શખ્સો વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મયુર સોસાયટી, ડાયમંડ સોસાયટી પાસે, ડીસામાં રહેતા ઉષાબેન પ્રફુલચંદ્ર રસીકલાલ અખાણીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ પોતાના મુળ વતન ડીસા રહે છે પરંતુ ફરિયાદીના પતિ અગાઉ અંજારના નાની નાગલપર જી.ઈ.બી.ના થાંભલા બનાવવાની ફેક્ટરી ચલાવતા હોઈ અહી રહેતા હતા. ભૂકંપ બાદ તેઓ પોતાના વતન જતાં રહ્યા છે. તેમણે 1990માં અંજાર તાલુકાનાં નાની નાગલપર ગામના સીમ સર્વે નં.42/3 વાળું ખેતર ખોજા અબ્દુલ સુલતાન ધારાશીના પાવરદાર મદદઅલી અજીજ રતાણી રહે. ભુજ પાસેથી વેચાણથી લીધેલ હતું અને અંજાર સબ રજીસ્ટાર કચેરીમાં ફરિયાદીના નામે નોંધ કરાવેલ છે. તો તા.30-1ના ફરિયાદીના પતિને તેમના મિત્રનો ફોન આવેલ અને કહેલ કે તમે તમારા પત્નીની જમીન વેચી નાખેલ જેથી ફરિયાદીના પતિએ ના કહી આ વાત ફરિયાદીને જણાવેલ. આ અંગે તપાસ કરવા માટે ફરિયાદીના દીકરા કિરણે તપાસ કરતાં વેચાણ થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. ફરિયાદીના દીકરાએ ઓનલાઈન દસ્તાવેજની નકલો કાઢી જોતાં દસ્તાવેજમાં આરોપીએ ફરિયાદીનું ખોટું નામ ધારણ કરી, કોઈ બીજા સ્ત્રીનો ફોટો લગાવી ફરિયાદીની ખોટી સહી કરી તે દસ્તાવેજ રમેશભાઈ નાનજીભાઇ મિણાંત રહે. આર-6/2 03, બાલાજી સી.એચ.એસ. લીમી એમ.એમ.આર.દી.એ કોલોની અંધેરી (ઈસ્ટ) પુનમનગર મુંબઈ સબ અરબન, મહારાષ્ટ્રવાળાને વેચાણ કરે છે. અને તેમાં સાક્ષી તરીકે શ્રીમાળી રજનીશ પરસોતમ રહે, કિડાણા તથા ચાવડા દિપેશ નરશીભાઈ રહે, કિડાનાવાળાઓએ સહી કરેલ છે. આ અંગે વધુ તપાસ કરતાં વેચનાર તરીકે ફરિયાદીનું ખોટું આધાર કાર્ડ તથા ખોટું સરનામું હોવાનું જણાઈ આવ્યું હતું. આ જમીન રમેશભાઈ નાનજીભાઈ મિણાંતે ખોટો દસ્તાવેજ બનાવી અમરદીપસિંહ મહાવીરસિંહ વાઘેલાને વેચાણ આપેલ હોવાનું ઓનલાઈન જણાઈ આવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ અંજાર આવી મામલતદાર કચેરીએ તપાસ કરતાં આ જમીનની વેચાણ નોંધ પડેલ હોવાનું સામે આવ્યું હતું. જેથી તેઓએ વાંધા અરજી આપેલ છે. ઉપરાંત ફરિયાદીના પતિની પણ નાગલપરમાં આવેલ બિન ખેતી સર્વે નં.-42/2 વાળી જમીન પણકોઈએ ખોટા દસ્તાવેજ બનાવી વેચાણ કરી દીધેલ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.