ખેડોઈમાં વડીલોપાર્જિત જમીનના ભાગલા માટે બે પરિવાર વચ્ચે મારામારી
આ અંગે મોટી ખેડોઈમાં રહેતા શાંતિલાલભાઈ ગોવિંદભાઈ છાભૈયાએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓના ઘરની પાસે વડીલોપાર્જિત વાડો આવેલ છે. તા.2-2ના સવારના સાડા દશેક વાગ્યાના અરસામાં ફરિયાદીને તેમના મોટા ભાઈ રમણીકભાઈના મોટા દીકરા જીતેન્દ્રનો ફોન આવેલ અને કહ્યું હતું કે તુલશીભાઈ અને તેઓ વાડા પર આવે છે અને વાડાનો ભાગ અમને આપી દેજો. ત્યારબાદ ફરિયાદી તેમના પત્ની ઝવેરબેન અને દીકરા દિપક સાથે વાડા પર ગયેલ હતા. વાડા પર હતા તે દરમિયાન જિતેન્દ્રભાઈ તથા તેની માતા સવિતાબેન તથા અસ્મિતા અને પતિ તુલશીભાઈ માકાણી વાડા પર હાજર હતા. ત્યારે જીતેન્દ્રએ ફરિયાદીને કહેલ કે કાકા વાડાના ભાગ પાડીને મને આપી દો. જેથી ફરિયાદીએ કહેલ કે શાંતિ રાખ તારા પિતાજીને પુછીને ભાગ પાડી લેશું શું ઉતાવળ છે તેમ કહેતા જીતેન્દ્રએ કહેલ કે ના હમણાજ ભાગ પાડો નહિતર મજા નહિ આવે કહી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ જીતેન્દ્રને ગાળો બોલવાની ના પાડતા સવિતાબેન તથા અસ્મિતા બંને પણ જેમતેમ બોલવા લાગ્યા હતા. ફરિયાદીએ આવું ન બોલવાનું કહેતા જીતેન્દ્રે ઉશ્કેરાઈ જઈ વાડામાથી ધોકો લઈ ગરદનના ભાગે માર માર્યો હતો. ફરિયાદીના પત્ની વચ્ચે પડતાં અસ્મિતા તથા સવિતાબેને તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. તુલાશીભાઈએ પણ ફરિયાદીના દીકરાને ધોકા વડે માર માર્યો હતો. અને આરોપીઓએ જતાં જતાં કહ્યું હતું કે ભાગ તો લઈને જ રઈશુ અને વચમાં આવશો તો જાનથી મારી નાખીશું. ફરિયાદીને ઇજાઓ પહોચતા અંજાર સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ગરદનના ભાગે ચાર ટાકા આવ્યા હોવાનું જણાવ્યુ હતું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.