સામખીયાળીમાં 7 શખ્સોએ મંડળી રચી યુવકને માર મારતા ફરિયાદ નોંધાઈ

સામખીયાળીમાં યુવકે પોલીસને કરેલ અરજીઓનું મનદુખ રાખી 7 શખ્સોએ યુવકને લોખંડના પાઇપ તેમજ ધોકા વડે માર માર્યો હોવાની ફરિયાદ સામખીયાળી પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે ફરિયાદ નોંધાવતાં બાબુભાઈ દેવરાજભાઈ બઢીયાએ જણાવ્યુ હતું કે, તેઓ રાત્રે સવા આઠેક વાગ્યાના અરસામાં સુપર માર્કેટથી છાસ ખરીદી પાછા ફરી રહ્યા હતા તે દરમિયાન વીરમ ખોડા કોલી, રસીક કોલીનો છોકરો , ભરત દયારામ મારાજ, જયેશ દયારામ મારાજ, રમેશ પાલા બારોટ તથા શંકર પાલા બારોટ તથા કેશા દાણા ચૌહાણ એમ સાત જણા ગલી પાસે ઉભેલા હતા. તો વીરમ ખોડા, રસીક કોલીના છોકરા, રમેશ પાલા અને શંકર પાલા પાસે હાથમાં લોખંડના પાઇપ હતા. તેમજ ભારત દયારામ મારાજ અને જયેશ દયારામ મારાજ પાસે હાથમાં ધોકા રહેલા હતા. વીરમ કોલીએ ફરિયાદીને ઊભો રખાવીને તું પોલીસમાં અરજીઓ બહુ જ કરે છે આજેતો તને પૂરો કરી નાખવો છે કહી હાથમાં રહેલ લોખંડનો પાઇપ મારવા લાગેલ અને અન્ય આરોપીઓ પણ ધોકા અને પાઇપ વડે માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન ફરિયાદીએ રાડારાડ કરતાં ફરિયાદીનો  છોકરા અજય આવી જતાં તેમને વધુ મારથી છોડાવ્યા હતા. ફરિયાદીને ઇજાઓ પહોચતા તેમને પ્રથમ સારવાર દરમિયાન માતૃસ્પર્શ હોસ્પિટલ સામખીયાળી મધ્યે અને ત્યાથી વધુ સારવાર અર્થે આદિપુર ડિવાઈન લાઈફ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે માથામાં, જમણા હાથે હથેળી પાસે તથા બંને પગે ઘૂંટણમાં તેમજ પગના પંજા પાસે ઇજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.