અંજારના વરસામેડીમાં બંધ ઘરમાથી રોકડ રૂપિયા 45,000ની તસ્કરી
અંજાર તાલુકાનાં વરસામેડીમાં ચોરે ઘરમાં પ્રવેશ કરી રોકડ રૂપિયા 45000ની તસ્કરી આચરી છૂમંતર થયો હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે ફરિયાદ નોંધાવતાં વિવેકભાઈ મનમોહનલાલ સાહસીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ તા. 20-1 રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં તેમના મોટા ભાઈના ઘરે જવા માટે નીકળ્યા હતા. અને ત્યાથી 7-2ના ફરિયાદી સુરતથી મધ્ય પ્રદેશ જઈ રહ્યા હતા. તે દરમિયાન બપોરના આશરે સવા બે વાગ્યાના અરસામાં ફરિયાદીના બહેન પ્રીતિનો ફરિયાદીને ફોન આવેલ. અને તેમણે જણાવ્યુ હતું કે તેમના ઘરની સાફ-સફાઈ કરવા ગયેલા મયુરી બેનને તારા ઘરના તાળાં તૂટેલી હાલતમાં તેમજ ઘરનો સામાન વેર-વિખેર હાલતમાં જોવા મળ્યો છે. જેથી ફરિયાદીએ ગઈ કાલે સવારે નવેક વાગ્યાના અરસામાં ઘરે આવી તપાસ કરતાં કબાટમાં રાખેલ રોકડા રૂ.20,000 તથા મકાનના અંદરના રૂમના માળિયામાં થેલામાં રાખેલ રૂ.25,000 મળી કુલ રૂ.45,000ની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ચોરીની ઘટના તા.6-2ના બપોરના આશરે 2 વાગ્યાથી તા.7-2ના બપોરના બે વાગ્યાના અરસામાં બની હતી. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.