ગાંધીધામની ચકચારી લૂંટના બનાવનું પોલીસે પુનરાવર્તન કરાવ્યું
ગાંધીધામ શહેરના અપનાનગર વિસ્તારમાં ફાયરિંગ સાથે થયેલી લૂંટના પ્રકરણમાં ત્રણેય આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાક્રમનું પુવરાવર્તન કરાવ્યું હતું. શહેરના અપનાનગરમાં રહેતા આંગડિયા પેઢીના સંચાલક ઉત્તમ પ્રજાપત ઉપર ફાયરિંગ કરી તેમની પાસેથી 40 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે ગંભીરતા દાખવી દોડધામ આદરી હતી અને થોડાક જ દિવસોમાં ગોવાથી માસ્ટર માઇન્ડ છત્રપાલસિંહ તથા તેના સાગરીતો મનુસિંહ ઉર્ફે મનોજ તથા સૂરજસિંહ ઉર્ફે રાહુલને પકડી પાડયા હતા.અગાઉ ગાંધીધામના શક્તિનગર વિસ્તારમાં લાખોની લૂંટ ચલાવનારા માસ્ટર માઇન્ડ છત્રપાલના અન્ય સાગરતી વિશાલ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. ચકચારી એવા લૂંટના પ્રકરણમાં પકડાયેલા છત્રપાલ, મનુ અને રાહુલના આજે રિમાન્ડ પૂર્ણ થતાં હોઇ લૂંટના ઘટનાક્રમનું પુવરાવર્તન કરાવામાં આવ્યું હતું. આંગડિયા પેઢીની પાસે આવેલી ગાંધી માર્કેટમાં ચાની હોટેલ તથા આસપાસના સ્થળોએથી આ શખ્સોએ એકાદ મહિના સુધી આંગડિયા પેઢીના સંચાલકની રેકી કરી હતી. આ શખ્સો રેકી કરવા ક્યાં ક્યાં બેસતા હતા, કેવી રીતે રેકી કરતા હતા તેનું પુનરાવર્તન કરાયું હતું. બાદમાં અપનાનગર જઇ ઘટનાક્રમને કેવી રીતે અંજામ આપ્યો હતો તેનું પણ પુનરાવર્તન પોલીસે કરાવ્યું હતું. આ વેળાએ એલ.સી.બી. પી.આઇ.’ એમ. એમ. જાડેજા તથા સ્ટાફ સાથે જોડાયો હતો.