એસએમસી દ્વારા ગત મોડી રાત્રે પડાયો દરોડો : 50 લાખથી વધુની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો કર્યો કબ્જે
પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં રાજ્ય સરકારની સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા ભચાઉના જીઆઈડીસી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં આધ્યાશક્તિ પોલિમાર્સના ગોડાઉનમાંથી 50 લાખથી વધુની કિમતનો વિક્રમી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ગત મોડી રાત્રે જીઆઈડીસી વિસ્તાર નજીક આવેલી એક બંધ ફેટકરી પર એસએમસીની વિજીલન્સ ટીમ ત્રાટકી હતી. જેમાં બંધ ફેકટરીના ગોડાઉનમાં રખાયેલ 50 લાખ 66 હજારથી વધુની કિંમતની 23 હજાર 964 બોટલો જપ્ત કરવામાં આવી હતી. સાથે જ ચાર મોબાઈલ અને ચાર વાહનો મળીને કુલ 73 લાખ 56 હજાર 600નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. વિક્રમી શરાબના જથ્થા સાથે ભાવનગરના કિશોરસિંહ દાનુભા સરવૈયા અને ભચાઉના પ્રહલાદભાઈ અરજણભાઈ ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની પુછતાછમાં અન્ય શખ્સોના નામો ખુલ્યા હતા. જેમાં મુખ્ય કટીંગ કરનાર ભચાઉના આશકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા, ભગીરથસિંહ દુર્ગાસિંહ જાડેજા, શિવમસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, ગોડાઉન માલિક આદિપુરના મોહનસિંહ રાણા, ભુરો ઠાકોર, જયંતી પેથાજી ઠાકોર, રમેશ ઠાકોર, અરજન કચરા ઠાકોર સહિત અન્ય ત્રણ સહિત કુલ 15 વોન્ટેડ ઈસમોના નામો ખુલ્યા છે. એસએમસીની વિજીલન્સ ટીમની તપાસથી વાગડના બૂટલેગરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.