દેઢીયા ભોજાય રોડ પર બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો: એકનું મોત, 2 ઘાયલ
દેઢીયા ભોજાય રોડ પર મોડપીર દાદાની દરગાહ પાસે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 1 યુવકનું મોત નીપજયું હતું જ્યારે બેને ઈજાઓ પહોચી છે.
આ અંગે ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ચિંતન ઠાકરશી ઉડિયાને જણાવ્યુ હતું કે, તેઓ તા.15-2ના રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં તેમના મિત્ર દામજી લઘુ મહેશ્વરી તથા ભરત માલશી મહેશ્વરી સાથે પોતાની માલિની GJ-12-EN-4140 બાઈક દ્વારા ભોજાયથી દેઢીયા ચા નાસ્તો કરવા માટે ગયેલ હતા. દેઢીયાથી ચા-નાસ્તો કરી રાત્રિના દશેક વાગ્યાના અરસામાં ભોજાય પરત ફરી રહયા હતા તે દરમિયાન મોડપીર દાદાની દરગાહ પાસે આવતા સામેથી આવી રહેલા ટ્રેક્ટરની સાઈડ કાપવા જતાં બાઈક સ્લીપ થઈ ગયું હતું. આ દરમિયાન બાઈક ભરત ચલાવી રહ્યો હતો જ્યારે ફરિયાદી તથા દામજી પાછળ બેઠેલ હતા. બાઈક સ્લીપ થતાં તેઓ ત્રણેય રોડ પર પટકાયા હતા. ત્રણેયને ઈજાઓ પહોચતા પ્રથમ સારવાર અર્થે માંડવી સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ભરતને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચી હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. જ્યારે ફરિયાદીને માથાના ભાગે ચાર ટાંકા આવ્યા હતા તો દામજીને જમણા પગમાં ફેકચર જેવી ઈજાઓ પહોચી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.