ભુજમાં બસની સીટ પર બેસવા બાબતે એસ.ટી.કર્મચારી વચ્ચે બબાલ
ભુજમાં એસ.ટી.બસની સીટ પર બેસવા બાબતે બબાલ સર્જાઈ હતી. જે અંગે ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે ફરિયાદ નોંધાવતાં જાફરખાન દાદામિયા મંડોરીએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિભાગમાં ડિશા ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવે છે. અને હાલમાં પાલનપુરથી ભુજ બસમાં ફરજ બજાવી રહ્યા છે.
તા.18-2ના સાંજના આશરે સાડા છ એક વાગ્યે ફરિયાદી ભુજ થી પાલનપુર બસને ભુજ હંગામી બસ સ્ટેશનના પ્લેટફોર્મ નં.7 પર બસમાં ઓનલાઈન થયેલ રીઝર્વશનના ચાર્ટ પ્રમાણે મુસાફરોને તેમની સીટ અનુસાર બેસાડી રહ્યા હતા. તે દરમિયાન મુંદ્રા ડેપોમાં બસના ડ્રાઈવર તરીકે નોકરી કરતાં રાજેન્દ્રસિંહ પરમાર બસમાં આવેલ અને સીટ નં.1 અને 2માં બેઠેલ લેડીસને સીટ ખાલી કરવાનું કહેવા લાગેલ. ત્યારે ફરિયાદીએ રાજેન્દ્રસિંહને કહેલ કે તમે કેમ લેડીસને સીટ ખાલી કરાવો છો હું બસમાં ઓનલાઈન રીઝર્વશન પ્રમાણે બેસાડુ છુ. તો રાજેન્દ્રસિંહ પરમાર ફરિયાદી સાથે બોલાચાલી કરી કહેવા લાગેલ કે મને તો બેસવા માટે સીટ જોઈશે. જેથી ફરિયાદીએ રાજેન્દ્રસિંહને જણાવેલ કે બસમાં કોઈ સીટ ખાલી નથી અને તમે લેડીસને આવી રીતે ઊભી ન કરી શકો થોડી માનવતા બતાવી જોઈએ. જેથી રાજેન્દ્રસિંહ ફરિયાદીને જેમ-તેમ ગાળો આપી ફરિયાદી પાસે રહેલ ઓનલાઈન રીઝર્વશન એડવાન્સ બુકિંગ મેમો ઝૂંટવી ફાડી નાખેલ અને ઝપાઝપી કરી ધીકાપાટુનો માર મારવા લાગ્યો હતો. તે દરમિયાન ફરિયાદી સાથે રહેલ ડ્રાઈવર ઉપેન્દ્રકુમાર રાવલ વચ્ચે આવતા તેમને પણ ગાળો આપી માર-મારવા દોડેલ. તેમજ એ.ટી.આઈની ઓફિસમાં ગયેલ ત્યારે આરોપી રાજેન્દ્રસિંહ ઓફિસમાં પડેલ ધોકો લઈને મારવા આવેલ હતો. તે દરમિયાન એસ.ટી.સ્ટાફના માણસોએ વધુ મારથી બચાવ્યા હતા. ત્યારબાદ રાજેન્દ્રસિંહ પરમાર ત્યાથી ચાલ્યો ગયેલ અને જતાં જતાં ધમકી આપી હતી કે, આજે તો તું બચી ગયેલ પણ બીજી વાર મળીશ તો તને જાનથી મારી નાખીશ. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.