પાદરા : બે બાઇક વચ્ચેના અકસ્માતમાં યુવાનો પર ટ્રક ફરી વળતા બેના મૃત્યુ, બે ઇજાગ્રસ્ત

બે યુવાનના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને દવાખાને ખસેડવામાં આવ્યા હતા. પોલીસે તપાસ હાથ ધરી હતી. પાદરા થી બોરસદ તરફ જવાના રસ્તા ૫૨ આવેલા પાદરા મુજપુર મહી નદીના બ્રિજ પર બુઘવાર ગત રાત્રના અરસામાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇક સવાર ઉપર ટ્રક ફરી વળતા આ અકસ્માતમાં બે યુવાનોના બનાવ સ્થળે જ ગંભીર ઇજાઓ થતાં મૃત્યુ નિપજ્યાં હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે પાદરાના મુજપુર બ્રિજ ૫૨ થયેલા અકસ્માતમાં ગંભીરા ગામના યુવાનો મોટર સાઇકલ ૫૨ લગ્ન પ્રસંગ પતાવીને ગંભીરા ગામે પાછા જઇ રહ્યા હતા. તે જ સમયે બ્રીજ પર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે બાઇક સામ-સામે ભટકાતાં બાઇકસવાર યુવાનનો નીચે પટકાયા હતા. રસ્તા પર પટકાયેલા આ યુવાનો પર પાછળ થી આવતી ટ્રક ફરી વળતા, ટ્રકના તોતીંગ પૈંડા નીચે યુવાનો કચડાઈ ગયા હતા. જેમાં મયંક શૈલેષભાઈ ચાવડા ઉ.વ. ૨૦ અને પ્રકાશ પુનમભાઈ પરમાર ઉ.વ. ૨૩ બન્ને રહેવાસી આંકલવા તાલુકાના ગંભીરા ગામનાનું બનાવ સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયું હતું.જયારે અન્ય બાઇક પર સવાર બે યુવાનોને ઈજાઓ થતાં બંનેને વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા બન્ને યુવાનોના મૃતદેહને પાદરાના સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની તપાસ શરૂ કરી હતી.