નાની ખેડોઈમાં અગાઉ થયેલ બોલાચાલીનું મનદુખ રાખી 2 શખ્સોએ કાવતરું રચી, ચાર શખ્સો દ્વારા યુવકને માર મરાયો હોવાની ફરિયાદ નોંધાઈ
નાની ખેડોઈમાં અગાઉ થયેલ સામાન્ય બોલાચાલીનું મનદુખ રાખી આરોપીએ કાવતરું રચી અજાણ્યા ચાર શખ્સો દ્વારા યુવકને માર-મરાયો હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે ફરિયાદ નોંધાવતાં ધનરાજસિંહ નાનુભા જાડેજાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આજથી આશરે ચારેક મહિના અગાઉ અહી કેમ બેઠો છે તે બાબતે તેમના કુટુંબી ભાઈ વિરેન્દ્રસિંહ ઉર્ફે શક્તિસિંહ અનોપસિંહ જાડેજા તથા તેના પુત્ર હરદીપસિંહે કહેતા તે બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. તેઓ કુટુંબી ભાઈ હોઈ જેથી સમાધાન થઈ ગયેલ હોઈ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ ત્યારબાદ આરોપીઓ જ્યારે મળતા ત્યારે આંખો કાઢતા. અને ફરિયાદીને જાણવા મળેલ કે, આ લોકો તેને કોઈ માણસો દ્વારા માર મરાવશે. પરંતુ તેઓ કુટુંબી ભાઈ હોઈ તેમને આ વાત ને નકારી મુકેલ હતી.
ગત તા.22-2ના ફરિયાદી બપોરના બે સવા બે એક વાગ્યાના અરસામાં ગામના બસ સ્ટેશન પર બેઠા હતા ત્યારે એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કાર આવેલ તેમાથી ચાર અજાણ્યા માણસો હાથમાં ધોકા લઈને ઉતર્યા હતા. જેમાના એક શખ્સે આજ છે એવું કહી ફરિયાદીને ડાબા હાથમાં તથા જમણા હાથમાં ધોકા વડે માર મારવા લાગ્યા હતા. ત્યારે ફરિયાદીએ ભાઈ શું છે એવું કહેતા બીજો શખ્સ પણ પગમાં ધોકા વડે મારવા લાગ્યો હતો. જેથી ફરિયાદી ગભરાઈ જઇ ત્યાથી ભાગતા 2 લોકો તેમને મારવા પાછળ દોડ્યા પણ ફરિયાદી ભાગીને ઘરે ગયા હતા. ત્યારબાદ તેમને મૂઢ ઇજાઓ પહોચી હોવાથી સારવાર અર્થે અંજાર સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. ફરિયાદીએ આ અંગે તપાસ કરવા ગામના સીસીટીવી ફૂટેજ જોતાં સ્વીફ્ટ ગાડીની આગળ શક્તિસિંહ અનોપસિંહની થાર ગાડી જતી જોવા મળી હતી. જેથી ફરિયાદીએ આરોપીઓ વિરુધ અગાઉ થયેલ બોલાચાલીનું મનદુખ રાખી માર-મરાયો હોવાની ફરિયાદ દાખલ કરાવી છે.