મીઠીરોહર રેલ્વે ફાટક પાસે બાઇક અને ડમ્પરનું અકસ્માત સર્જાતા એકનું મોત નીપજયું
મીઠીરોહર રેલ્વે ફાટક પાસે ડમ્પર ચાલકે બાઇકને ટક્કરે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એકનું મોત નીપજયું હતું જ્યારે એક યુવકને ઇજાઓ પહોચી હતી.
આ અંગે બિહારના વતની રવિકુમાર રમેશભાઈ માંઝીએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ બિહારના સંકરડીહ થાનામાં રહે છે. જ્યારે તેમનો મોટો ભાઈ રાજેશ ધંધા અર્થે ગાંધીધામ મધ્યે પાંચ છ મહિનાથી રહેતો હતો. તા.22-2ના ફરિયાદીના ભાઈ રાજેશભાઈ તથા આનંદકિશોર બંને જણા GJ-12-BE-2554 બાઇક દ્વારા ભીમાસર રોડ બાજુથી ગ્રેટઈન્ડિયા ટિંબર ઓવરસીઝ કંપનીમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન રાજેશ ભાઈ બાઇક ચલાવી રહ્યા હતા. તેઓ મીઠીરોહર રેલ્વે ફાટક પાસે પહોચ્યા ત્યારે વર્ષામેડી તરફથી આવી રહેલા GJ-12AU-6717ના ડમ્પર ચાલકે પોતાના કબજાનું વાહન પૂર ઝડપે બેદરકારીથી અને ગફલતભરી રીતે ચલાવી બાઇકને ઠોકરે લીધી હતી. આ ઘટનામાં બાઇક ચાલક રાજેશભાઈ તથા તેના સાહેદ આનંદકિશોર નીચે પટકાયા હતા. આ દરમિયાન ડમ્પરનું ટાયર રાજેશભાઈના માથા પર ફરી વળતાં તેનું મોત નીપજયું હતું. તેમને રામબાગ સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા અને ત્યાં તેમનું પીએમ કરાવાયું હતું. જ્યારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી નાસી ગયો હતો.પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.