ભુજ આર.ટી.ઓ.માં રાખેલ આઈ.ટી.આઈના ઓટોમોબાઈલના સ્પેરપાર્ટની તસ્કરી

ભુજ આઈ.ટી.આઈના આર.ટી.ઓ લર્નિંગ લાઇન્સ બિલ્ડિંગના રૂમનો દરવાજો તોળી ચોરે અંદર પ્રવેશી ઓટોમોબાઈલ ગ્રુપના રાઈટ ઓફ થયેલ સ્પેરપાર્ટ ની તસ્કરી કરી છૂમંતર થઈ ગયો હતો.

આ અંગે આઈ.ટી.આઈના સુપરવાઇઝર હિરેનકુમાર ભાસ્કરરાય પટેલે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, આઈ.ટી.આઈમાં વિધાર્થીઓને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતા ઓટોમોબાઈલ ગ્રૂપના સ્પેરપાર્ટ જે કંડમ થઈ ગયેલ હોઈ અને હરાજી પાત્ર હોઈ તેને ભુજમાં આવેલ આર.ટી.ઓ બિલ્ડિંગમાં જ્યાં લર્નિંગ લાયસન્સની કામગીરી થાય છે ત્યાં મૂકવામાં આવ્યા હતા.  તા.23-1ના ફરિયાદીને સવારના આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં આર.ટી.ઓમાં કામગીરી કરતાં જયદીપભાઈએ ફોન દ્વારા જણાવ્યુ હતું કે, રાઈટ ઓફ કંડમ થયેલ સ્પેરપાર્ટ રાખેલ રૂમનો દરવાજો તુટેલ છે જેથી ચોરી થઈ હોવાનું જણાઈ રહ્યું છે. જેથી ઉપરોક્ત સ્થળ પર જઈ તપાસ કરતાં રૂમનો દરવાજાનો લોક તુટેલ હાલતમાં જોવા મળ્યો હતો. તેમજ કિ.રૂ.4346ના સ્પેરપાર્ટની તસ્કરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.