કિડાણાના રહેણાક મકાનમાથી 132 બોટલ શરાબ ઝડપાયો
ગાંધીધામ બી-ડિવિજન પોલીસને પેટ્રોલીંગ દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, કિડાણાના રાધેનગરમાં રહેતો લક્ષ્મણગીરી ગોકુલગીરી ગૌસ્વામી લક્ષ્યનગર સોસાયટી 4 માં આવેલ મ.નં.59માં વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર વેચાણ અર્થે રાખેલ છે. પોલીસે બાતમીના આધારે ઉપરોક્ત સ્થળ પર રેડ પાડી આરોપી લક્ષ્મણગીરી ગોકુલગીરી ગૌસ્વામીને પકડી પાડ્યો હતો. પોલીસે મકાનમાં તલાસી લેતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 132 બોટલ મળી આવી હતી. પોલીસે આરોપી પાસેથી 52,740નો શરાબનો જથ્થો, એક મોબાઈલ ફોન કિ.રૂ.5000 મળી કુલ કિ.રૂ.57,740નો મુદ્દમાલ જપ્ત કર્યો હતો.
પોલીસે પકડાયેલ આરોપીની દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતાં આ દારૂ ગાંધીધામના ભારતનગરમાં રહેતો ઓમદાન ગઢવી અને કરણજી નગરમાં રહેતો કાનાભાઇ અમરાભાઈ ભરવાડ આપી ગયા હોવાનું જણાવ્યુ હતું. આ બંને આરોપીઓ દરોડા દરમિયાન હાજર મળી આવ્યા ન હતા. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગોનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.