કુંભારિયામાં સરપંચની ચૂંટણી મુદ્દે બબાલ

રાપર તાલુકાના કુંભારિયા ગામમાં દોઢ વર્ષ પહેલાં થયેલી સરપંચની ચૂંટણી બાબતે બે પરિવારના સભ્યો સામસામે આવી જતાં બબાલ થઈ હતી.

ગાગોદર પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર તા.8/3ના ધુળેટીનાં પર્વે રાત્રિના અરસામાં આ ઘટના બની હતી. કુંભારિયામાં રહેતા પ્રભુ હીરા જોસરફાર (આહીર) ઉ.વ. 28 તથા અન્ય યુવાનો ગામની બાજુમાં આવેલ ગજિયાના કારખાનામાં બેઠા હતા, ત્યારે રણછોડ વાલા આહીર, હરી વાલા આહીર, વાલા ભીમા આહીર અને વાલા વજુ આહીર રહે ચારેય કુંભારિયાવાળા ત્યાં આવ્યા અને  ચારેય શખ્સોએ મળી યુવાન પર ધારિયું, પાઈપ વડે હુમલો કરી દીધો હતો અને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ હવે સરપંચની ચૂંટણીમાં બીજીવાર અમારી સામે ન આવતા, તેમ કહી ગાળો આપી હતી. ગંભીર ઈજાઓ થતા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.

તો સામાપક્ષે રણછોડ વાલા ડાંગર (આહીર) ઉ.વ. 42ની પત્ની ગોમતીબેન સરપંચની ચૂંટણીમાં વિજેતા થયા હતા. યુવાન ખેતરેથી કુંભારિયા ગામે જતા હતા, ત્યારે વિશાલ કાના આહીર, રાજેશ કાના આહીર, રણછોડ ગાંગા આહીર અને ચીની હીરા આહીર’ જેઓ ચારેય શખ્સોએ યુવકને રોકી ગાળો આપવા લાગ્યા હતા. જેથી યુવકે  પિતા, કાકા અને ભાઈને બોલાવી લીધા હતા. આરોપીઓ ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણીમાં અમને આડા આવ્યા છો, તેમ કહીને બોલાચાલી કરી ગાળો આપી હતી. જેથી મામલો ઉગ્ર બની જતાં ચારેય શખ્સોએ લાકડી, ધારિયું, પાઈપ વગેરે હથિયાર વડે હુમલો કર્યો હતો. મારામારીમાં ચારેય લોકોને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોચતા આદિપુર ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે પહોચ્યા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.