લક્ઝરી બસે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો
આ અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર આ અકસ્માત 16-3ના રાત્રિના અરસામાં સર્જાયો હતો. ફરિયાદી સબીરભાઈ હુંશેનભાઈ મંગવાણા તથા તેમનો કાકાનો દીકરો ફિરોઝ ઈસ્માઈલ મંગવાણા પોતાની બાઇક દ્વારા કંડલા દિન દયાલ પોર્ટ ઉપર આવેલ અબ્દુલની હોટલ પરથી ઘરે પરત આવી રહ્યા હતા. તે સમય દરમિયાન રેલ્વે યાર્ડ તરફ જવાના રસ્તા પાસે પહોચ્યા ત્યારે GJ-12-BY-9546 લક્ઝરી બસના ચાલકે બાઇકને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક ચાલક તથા સવાર બંને રોડ પર પટકાતાં બંનેને ઇજાઓ પહોચી હતી. બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે આદિપુર મધ્યે જૈન સેવા સમિતિ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બાઈક ચાલક ફિરોઝને માથામાં હેમરેજ તો બાઈક સવાર સબીરભાઈને માથાના પાછળના ભાગે ઈજાઓ પહોચી હોવાનું જણાવ્યુ હતું. કંડલા મરીન પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.