મોખાણાની વાડીમાંથી ચોરે 90 હજારના વાયરની તસ્કરી કરી
મોખાણા ગામમાં આવેલી વાડીમાંથી રૂ.90 હજારનો કેબલ ચોરાઈ ગયો હોવાની ફરિયાદ પધ્ધર પોલીસ મથકે નોંધવાઈ છે.
આ અંગે મોખાણા ગામમાં રહેતા પ્રવીણભાઇ વિરાભાઈ ઢીલાએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે, તેમની વાડીમાં બોરની મોટર ખરાબ થઈ જતા રિપેર કરવા માટે મોટર બહાર કઢાઈ હતી અને વાયર સાઇડમાં રાખવામાં આવ્યો હતો. જ્યારે મોટરને ભુજ રીપેર કરવા માટે આપવામાં આવી હતી. બીજા દિવસે મોટર રીપેર થઈ જતાં મોટરને બોરના હૉલ પાસે રાખી ફરિયાદી ઘરે ચાલ્યા ગયા હતા. જ્યારે વાડીએ તેમના ભાગીદાર જેસંગભાઈ ઠાકોર હાજર હતા. ફરિયાદીને જેસંગ ભાઈએ વહેલી સવારે સવા પાંચ વાગ્યાના અરસામાં ફોન દ્વારા જણાવ્યુ હતું કે, બોરની મોટરનો બહાર રાખેલ કેબલ વાયર કોઈક ચોરી ગયેલ છે. જેથી ફરિયાદીએ વાડીએ જઈ તપાસ કરતાં 500 ફુટ કેબલ વાયર જોવા મળ્યો ન હતો. જોકે ચોર ઈસમો વાયર ખેંચીને લઈ ગયા હોવાથી તેના ચીલા નજરે પડી રહ્યા હતા.
આ ચોર શખ્સો વરિયાળીના પાકમાંથી બાજુની વાડી અને ત્યાંથી બાઇક વડે સીમમાં બે કિલોમીટર દૂર સુધી વાયર ઢસડીને ગયા હોવાનું જણાઇ આવ્યું હતું.સીમમાં એક જગ્યાએ ધુમાડો નીકળતો હતો જ્યાં કેબલ સળગાવી દેવાયા હોવાનું સામે આવતા શોધખોળ કરવામાં આવી હતી પરંતુ કોઈ હકીકત ન મળતા ફરિયાદ નોંધાવાઈ છે.