જામનગરમાં 214 બોટલ શરાબના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ

જામનગર નજીકના સિક્કા ગામે હાઉસીંગ બોર્ડમાં રેડ પાડી સ્થાનિક પોલીસે મકાનમાં પાણીના ટાંકા નીચે ભોયરામાં સંતાડવામાં આવેલી 214 બોટલ શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થા સાથે પોલીસે બે આરોપીઓની અટક કરી છે. જ્યારે સપ્લાય કરનાર આરોપીની સંડોવણી બહાર આવતા પોલીસે તેની તપાસ હાથ ધરી છે.જામનગર શહેર-જિલ્લામાં દેશી-વિદેશી શરાબ સંબંધિત પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી સતત આગળ ધપાવવામાં આવી છે. ગઇકાલે સિક્કા પોલીસ દ્વારા હાઉસીંગ બોર્ડમાં રહેતા હરદિપસિંહ દિપસિંહ જેઠવાના ઘરે ચોકકસ હકીકતના આધારે રેડ પાડવામાં આવી હતી. પોલીસે ઘરની તપાસ કરતાં અંદરથી શરાબની એકપણ બોટલ મળી આવી ન હતી. દરમ્યાન પોલીસે ઘરની અંદર તથા બહારની સાઇડમાં જીવણટ પુર્વક શોધખોળ કરી હતી. જેમાં ઘરમાં પાણીના ટાંકા નીચે એક ભોયરું મળી આવ્યું હતું. આ ભોયરામાં પ્રવેશ કરતાં જ પોલીસને રૂા.1 લાખ 7 હજારની કિંમતનો 214 બોટલ શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પર મળી આવેલા હરદિપસિંહ જેઠવા તથા વિરેન્દ્રસિંહ ઉર્ફે વીકી કિરીટસિંહ જાડેજા વાળા આરોપીઓની અટક કરી હતી.પોલીસે બન્ને આરોપીઓ સામે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધી પ્રાથમિક પુછપરછ કરી હતી. જેમાં સપ્લાયર તરીકે એક વ્યક્તિનું નામ સામે આવતા પોલીસે તેની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *