ગાંધીધામના શિણાયની સીમમાં ત્રણ શખ્સે યુવાનોને માર મારી 30 હજારની લૂંટ ચલાવી
આદિપુરના વોર્ડ 6-એ વિસ્તારમાં રહેતા વિરલ હરેશ ચવચેટા (આહીર)એ ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, ફરિયાદીના મિત્ર ધ્રુવ બારોટ અને તેની મિત્ર પૂજા આશાપુરા ટેકરી શિણાય મધ્યે ફરવા માટે ગયા હતા. ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવી માથાકૂટ કરી ધ્રુવને માર મારી પૂજા પાસેથી રોકડ રૂા. 200 લૂંટી લીધા હતા. જેથી ધ્રુવ બારોટે ફરિયાદીને ફોન કરી ત્યાં જવાનું કહ્યું હતું. બાદમાં ફરિયાદી ધ્રુવ, મંથન આશાપુરા ટેકરીએ ગયા હતા. બાદમાં ત્યાં પૂજાને પણ બોલાવતાં તે પણ ત્યાં આવી હતી. ગઈકાલે સાંજે આ ચારેય ત્યાં હતા તે સમય દરમિયાન અજાણ્યા ત્રણ શખ્સો દેખાયા હતા. આ અંગે પૂજાને તારી તથા ધ્રુવ સાથે બોલાચાલી કરીને 200 રૂપિયા લૂંટી લીધા હતા તે આ લોકો છે કે કેમ? તેવું કહેતા પૂજાએ હા પાડી હતી. આ સાંભળી ત્રણ આરોપીઓ પૈકી એક 2પથી 28 વર્ષની વયના શખ્સે ફરિયાદી ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો અને તેની આંગળીમાં પહેરેલી ચાંદીની વીંટી, સોનાની વીંટી તથા પર્સમાં રહેલા રોકડ રૂા. 100ની લૂંટી લીધા હતા. તો અન્ય બે શખ્સોએ ધ્રુવ અને મંથનને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે લઈ જવામાં આવતી તેને હાથ અને પગમાં ફેકચર સહિતની ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું હતું. આ ત્રણ શખ્સોએ રૂા. 30,800ની મતાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.