મેઘપર બોરીચીના મકાનમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત રૂ. 1.10 લાખની તસ્કરી
મેઘપર બોરીચીના મકાનના તાળાં તોડી ચોરે ઘરમાં પ્રવેશી પલંગમાં રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી 1,10,350ની ચોરીને અંજામ આપી છૂમંતર થઈ ગયો હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે.
આ અંગે આશાપુરા સોસાયટીમાં રહેતા દિનેશભાઇ પ્રભુદાસ પ્રજાપતિએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર તા.25-3ના તેઓ અને તેમના પત્ની રાબેતા મુજબ નોકરીએ ગયેલ હતા. સાંજના સાતેક વાગ્યાના અરસામાં તેમના પત્ની નોકરી પરથી ઘરે પરત ફર્યા ત્યારે મકાનના દરવાજાના તાળાં તૂટેલ હાલતમાં જોવા મળતા ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી તેઓએ ઘરમાં તપાસ કરતાં બેડરૂમનો સામાન વેર-વિખેર હાલતમાં નજરે પડ્યો હતો. બેડરૂમના પલંગમાં રાખેલ દાગીના ચેક કરતાં ચાંદીના સાંકરા, ગણપતિનું પેંડલ , સોનાની વીંટી, ચાંદીની લક્કી, સોનાની બુટ્ટી, એક મોબાઈલ ફોન તથા રોકડ રકમ 42000 જોવા ન મળતા કુલ રૂ.1,10,350ના માલમતાની તસ્કરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. આ ચોરીની ઘટના તા.25-3ના સવારના આઠ વાગ્યાથી સાંજના સાત વાગ્યા દરમિયાન બની હતી. અંજાર પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.