અંજાર પોલીસે મહેસાણા હાઈવે સોની અને આંગડિયા વેપારીની લૂંટનો કારસો બનાવ્યો નિષ્ફળ.
પોલીસે ત્રણ ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગના બે શખ્સ પાસેથી ૩.૬૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો : અન્ય ચારના નામ ખુલ્યા
પૂર્વ કચ્છના અંજાર પંથકમાં ચોરીની ઘટનાઓ વધી હતી, ત્યારે સ્થાનિક પોલીસે બે શખ્સોને ઝડપી પાડી ૩ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પુછપરછમાં આરોપીઓ ટૂંક સમયમાં મહેસાણા હાઈવે પર સોની અને આંગડિયા વેપારીને લૂંટવાના હોવાનું સામે આવવા પામ્યું હતું.
અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં આવેલી ભાગ્યશ્રી સોસાયટીમાંથી પોલીસે એક શંકાસ્પદ યુવાનને ઝડપી પાડ્યો હતો જેની તપાસમાં ત્રણ ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલાયા છે. પોલીસે મેઘપર બોરીચીના ભરત મનજીભાઈ સુંબડ અને જીઆઈડીસી નવાનગરના ચંદ્રેશ બટુકનાથ નાથબાવાને ઝડપી ઝડપી લીધો હતો. પુછપરછમાં તેમણે વર્ષ ર૦રર અને ર૩માં અંજાર વિસ્તારમાં થયેલી ત્રણ ઘરફોડ ચોરીની કબૂલાત આપી હતી. આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૭૦ હજાર, ગુના કામે વપરાયેલી ર લાખની ઝેડ્સ ગાડી નંબર જી.જે. ૦ર એપી ૭૬ર૭, રેકીમાં વાપરેલી પ૦ હજારની પ્લસર બાઈક નંબર જી.જે. ૦૮ સીએ ૬૦૩૭, વીવોનો પ હજારનો મોબાઈલ, તાળુ તોડવા માટે લોખંડનો રોડ, ચાંદીનો રપ૦૦નો સિક્કો, બે સીમ કાર્ડ, ર૭,૮૦૦ની ટીવી, ૬ હજારનું વોશિંગ મશીન, પ હજારનો મોબાઈલ, હજાર રૂપિયાના ચાંદીના ત્રણ સિક્કા મળી ૩,૬૭,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પીઆઈ એસ.ડી. સિસોદિયાએ જણાવ્યું હતું કે, આરોપીઓ બનાસકાંઠા, પાટણ તથા પૂર્વ કચ્છ જિલ્લાના રહેવાસીઓ છે અને મિલકત સંબંધી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપીઓ બાઈક વડે અંજાર ગાંધીધામ સંકુલમાં રેંકી કરીને બંધ મકાનને નિશાન બનાવતા હતા અને ચોરીને અંજામ આપતા હતા. રાતના સમયે ફોર-વ્હીલથી આવી સોસાયટીમાં દૂર વાહન પાર્ક કરી પગે ચાલીને આવી લોખંંડના રોડથી દરવાજાનો નકુચો તોડી ગુનાને અંજામ આપ્યા બાદ તાળુ સાથે લઈ જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. વધુ તપાસમાં પકડાયેલા આરોપીઓએ સાગરીતો સાથે મળીને પાટણ-ઊંઝા (મહેસાણા) હાઈવે પર સોની પેઢીના અને આંગળીયા પેઢીના વેપારીઓને ટૂંક સમયમાં લૂંટવાનું પણ આયોજન કર્યું હોવાનું બહાર આવ્યું છે. પુછપરછમાં સાગરીતો તરીકે કાંકરેજના પ્રકાશ નાથાભાઈ રાવળ, નવાનગર અંજારના વિમલ બટુકનાથ નાથબાવા, રાધનપુરના ટોની માદેવા ઠાકોર અને મેઘપર બોરીચાના પંકજ કિશોરભાઈ ભાનુશાલીનું નામ ખુલવા પામ્યું છે. આરોપીઓના મોબાઈલ ફોનમાં ગુનાના ફોટાઓ પ્રકાશ રાવળને વોટસેએપમાં મોકલ્યા હોઈ આદિપુર અને ગાંધીધામ એ ડિવિઝન વિસ્તારમાં થયેલી ચોરીના ગુનાઓનો પણ ભેદ ઉકેલાવાની શકયતા છે