સસ્તાં સોનાંનાં નામે ભુજની ત્રિપુટીએ 1.50 લાખ હડપ્યા

નવસારીના હીરાના દલાલને સસ્તાંમાં સોનાંની લાલચ આપી ભુજની ત્રિપુટીએ છેતરપિંડી આચરી હોવાની ઘટના ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે નવસારીમાં હીરાના દલાલીનો વ્યવસાય કરતા ફરિયાદી રણજીતસિંહ નિરંજનસિંહ ઠાકુરે આરોપીઓ રામ,હનીફ અને હાજી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરીયાદીના મિત્રને  કાંતિલાલ જીવણજી પ્રજાપતીનો ફેસબુક ઉપર રામ નામના વ્યક્તિ સાથે પરિચય થયો હતો અને સસ્તામાં સોનું આપવાની વાત કરી હતી. તેણે જણાવ્યુ હતું કે, હાજી નામના વ્યક્તિનું દરિયામાં જહાજ ચાલે છે તે બજારભાવ કરતા 10 ટકા સસ્તું આપશે.

ફરિયાદીએ આ અંગે રામ સાથે ફોન ઉપર વાત કરી હતી. ફરિયાદીના મિત્ર કાંતિલાલ જીવણજી પ્રજાપતીખુદ હાજીને મળવા ભુજ આવેલ હતા અને 100 ગ્રામ બીસ્કીટ બજારભાવ કરતા સસ્તુ આપવા માટે સહમત થયા હતા. . ફરિયાદીનો હીરાની દલાલીનો ધંધો સારો ન ચાલતો હોઈ સોનુ લેવા સહમત થયા હતાં. ફરીયાદી તેના મિત્ર કાંતિલાલ જીવણજી પ્રજાપતી સાથે  ભુજ આવ્યા હતાં. ભુજમાં તેમને લેવા માટે  એક નંબર પ્લેટ વગરની કાર આવી હતી અને રહીમ નગરમાં હનીફના ઘરે લઈ ગયા હતા. જે સ્થળ પર  હાજી અને હનીફ પહેલાથી હાજર હતા. આરોપીઓએ 100 ગ્રામ બીસ્કીટ બતાવી 4.50 લાખ કીમત જણાવી હતી. ફરિયાદીએ આટલા બધા રૂપિયા હાલમાં ન હોવાનું જણાવતા આરોપી હાજી અને હનિફે જેટલા હોઈ એટલા આપી દો બાકીના પછી આપજો એમ કહી ફરિયાદીને વિશ્વાસમાં લતા ફરિયાદીએ 1.50 લાખ રૂપિયા આપ્યા હતા. આરોપીએ અમદાવાદમાં ડીલીવરી મળી જશે તેવું જણાવ્યુ હતું.

આરોપીઓએ નંબર વિનાની એ ગાડીમાં ફરીયાદી અને તેના મિત્રને ગાંધીધામ મુકી આવ્યા હતાં. અમદાવાદ પહોંચ્યા બાદ હવે ફરિયાદીએ આરોપીનો સંપર્ક કરતાં આરોપીએ નવસારીમાં ડીલીવરી મળશે તેમ કહેતા તેઓ ટ્રેન મારફત નવસારી પહોંચ્યા હતાં. પરંતુ સોનુ ન મળતા ફરીયાદી અને તેના મિત્રએ સોનું ન આપવું હોય તો પૈસા આપો તેમ કહ્યું હતું પરંતુ આરોપીઓએ અલગ અલગ બહાના કરી સોનું કે રકમ પરત આપી ન હતી. જેથી ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા આ ફરિયાદ દર્જ કરાવાઈ હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.