ભચાઉમાં એક કારમાંથી રૂ. 88,200 નો શરાબ પકડાયો

ભચાઉમાં એક કારમાંથી રૂ. 15,300ના શરાબ સાથે એકની ધરપકડ કરાઇ હતી, જ્યારે એક આરોપી સાબુના ગોટાની જેમ સરકી ગયો હતો. આ ઘટનામાં શરાબ આપનાર એક આરોપીનું નામ ખૂલ્યું હતું. ભચાઉમાં આવેલી જલારામ સોસાયટીના ઉપરના ભાગે એક ઘર નજીક આર.આર.સેલે દરોડો પાડ્યો હતો. પોતાના ઘર નજીક સ્વિફટ કાર નંબર જી.જે.12 સી.ડી.7429 વાળી રાખી તેમાં શરાબનું વેચાણ કરતાં ભાવેશ કાનજી મણકાને પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે કલ્પેશ કાનજી મણકા નામનો આરોપી નાસી ગયો હતો. આ કારમાંથી પોલીસે રોયલ ચેલેન્જ અને ક્રેઝી રોમિયોની 117 બોટલ કિંમત રૂ. 15,300 નો દારૂ તથા આ કાર કબ્જે કરી હતી. ઝડપાયેલા આરોપીની પૂછપરછ દરમ્યાન પોતાને રાપરનો પૂના ભાણા ભરવાડ નામનો આરોપી ત્રણ દિવસ અગાઉ આ શરાબ વેચવા આપી ગયો હોવાની કેફિયત આપી હતી. વાગડ પંથકમાં સ્થાનિક પોલીસને અંધારમાં રાખીને બહારની એજન્સીઓએ રૂ. 88,200 નો શરાબ ઝડપી પાડ્યો હતો. 31 ડિસેમ્બર માટે મંગાવાયેલો શરાબનો આ જથ્થો પોલીસના હાથે પકડાઈ જતાં શરાબ પ્યાસીઓના મણસૂબા ઉપર પાણી ફરી વળ્યું હતું.