અંકલેશ્વરઃ ઘર આંગણે પાર્ક કરેલી બાઈક લઈને ભાગતો આરોપી લોકોનાં હાથે પકડાયો

અંકલેશ્વરનાં હસ્તિ તળાવ વિસ્તારમાં રહેતા એક રહીશનાં ઘર આંગણે પાર્ક કરેલી બાઈક એક આરોપી લઈને ભાગી રહ્યો હતો. જેની જાણ થઈ જતાં બાઈકનાં માલિકે આરોપીનો પીછો કરી પકડી પાડ્યો હતો. જ્યાં ઊભેલા અન્ય લોકોએ પણ તેને પકડી પાડવામાં મદદ કરતાં આખરે આરોપીને પોલીસનાં હવાલે કર્યો હતો.ઘટના અંગેની મળતી વિગતો અનુસાર અંકલેશ્વરનાં હસ્તી તળાવ વિસ્તારમાં રહેતા મહેશ અશ્વિનભાઈ તડવીએ પોતાની મોટર સાઈકલ નંબર જીજે-22 ડી-4149 ઘરની સામે પાર્ક કરી હતી. દરમિયાન મંગળવારે બપોરનાં અરસામાં એક આરોપી તેમની બાઈકની તસ્કરી કરીને ભાગી રહ્યો હતો. દરમિયાન ઘરની સામે રહેલી ગણેશ હોટલમાં કામ કરતાં એક વ્યક્તિએ મહેશ તડવીને જાણ કરી હતી કે તમારી બાઈકને કોઈ અજાણ્યો આરોપી લઈને ભાગી રહ્યો છે.મહેશ તડવીએ બાઈક લઈને ભાગી રહેલા આરોપીનો પીછો કર્યો હતો. બાદમાં અન્ય લોકોએ પણ મદદ કરતાં આરોપીને પકડી પાડ્યો હતો. તેની પુછપરછ કરતાં તેનું નામ યુસુફ અલીજાન પઠાણ રહે. ભરૂચનાં કોઠી બજાર વિસ્તારનો હોવાનું જણાવ્યું હતું. જેને અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનાં હવાલે કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.