કલેક્ટર કચેરીમાં બોગસ અરજી ઊભી કરનારા ગાંધીધામના ઉદ્યોગપતિ તથા એક મહિલા વિરુદ્ધ ફરિયાદ

ગાંધીધામના પડાણામાં આવેલી મીઠાંની લીઝ પૂરી થઇ ગયા બાદ રિન્યૂ માટે કલેક્ટર કચેરીમાં ખોટી અરજી કરી તેના પર રજિસ્ટ્રી બ્રાન્ચના ઇન્વર્ડ કલાર્કનો ખોટો સિક્કો લગાડી બોગસ દસ્તાવેજ ઊભો કરાયાની ફરિયાદ ગાંધીધામના અગ્રણી મીઠાંના ઉદ્યોગપતિ અને લીઝ હોલ્ડર મહિલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

આ અંગે ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે ગાંધીધામના જીપ્સમ તથા મીઠાંના છૂટક વેપારી રાજેશભાઇ ચૂનીલાલ રાજગોરે લીઝ હોલ્ડર શરીફાબેન ઇસ્માઇલ કોરેજા અને તેના પાવરદાર મદનલાલ ઘેવરચંદ નાહટા વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરાવી છે.

 આ અંગે ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર પડાણાના સર્વે નં. 200 પૈકીની જમીન મીઠું પકવવા લીઝ ઉપર મેળવવા રાજેશ રાજગોરે ગત તા. 22-3-2019ના કલેક્ટર કચેરીમાં ફોર્મ અને નિયત ફી ભરી અરજી કરી હતી. આ જમીન અગાઉ 2009માં શરીફાબેન કોરેજાને લીઝ માટે ફાળવવામાં આવી હતી અને તેણે મેળવેલી લીઝ પાવર ઓફ એટર્નીથી મદનલાલ નાહટાને આપી હતી, જેની મુદ્દત તા. 31-7-18ના પૂર્ણ થઇ ગયેલ હતી. ત્યારબાદ લીઝ રિન્યૂઅલ માટે કોઇ પ્રક્રિયા હાથ ન ધરવામાં ન આવતા  જમીન આપોઆપ સરકાર પાસે પરત આવી હતી. લીઝની અવધિ પૂર્ણ થઇ ગયા બાદ તેઓએ રિન્યૂ માટે કાર્યવાહી કરી ન હતી.

 રિયાદી રાજેશે આ જમીનની લીઝ ફાળવવા અરજી કરી હોવાથી હવે જમીનનો કબજો છોડવો પડશે તેવા ડરથી આરોપીઓએ જૂની તારીખમાં લીઝ રન્યૂઅલ માટે અરજી કરી હોવાના બોગસ આધારો તૈયાર કરી, જેમાં શરીફાબેનના પાવરદાર મદનલાલે તા. 29-1-2018ના રોજ લીઝ રિન્યૂઅલ માટે કલેક્ટર કચેરી-ભુજમાં અરજી કરી હોવાનો ખોટો દસ્તાવેજ તૈયાર કરી તેના ઉપર રજિસ્ટ્રી બ્રાન્ચના ઇન્વર્ડ કલાર્કનો ખોટો સિક્કો (સ્ટેમ્પ) માર્યો હતો. ત્યારબાદ આ બોગસ અરજીપત્રના આધાર બનાવી ત્રણ વ્યવહાર કર્યા હતા. રાજેશભાઇએ આ અરજીની સત્યતા ચકાસવા આરટીઆઇ કરતાં તા. 27-1-2018થી 30-1-2018 દરમ્યાન કલેક્ટર કચેરીમાં આવી કોઇ રિન્યૂ માટે અરજી આવી ન હોવાનું ઘટસ્ફોટ થયો હતો.