ભચાઉમાં ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

ભચાઉ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને પકડી પાડી 42,950નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, રોહિત હરિલાલ ઠક્કર હાલમાં ભચાઉ ભુજ હાઇવે પર આવેલ આશાપુરા હોટલની પાસે હાલમાં ચાલી રહેલ ગુજરાત V/S દિલ્હીની IPL ટી-20 ક્રિકેટ મેચ પર ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ઉપરોક્ત આરોપી રોહિત હરિલાલ ઠક્કરને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 2 મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા 2950 મળી કુલ કિ.રૂ.42,950નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.