ભુજ તથા ગાંધીધામમાં બે યુવકની હત્યા થતાં પોલીસ બેડામાં દોડધામ…

ગાંધીધામ સંકુલમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી રાકેશભાઈ ઓમપ્રકાશ ટેકવાણી (ઉ.વ.36)ની તથા ભુજમાં બે જુથ વચ્ચે થયેલા ધિંગાણામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત સોયેબ ગની મોખા (ઉ.વ.21)નું મૃત્યુ નિપજતા પોલીસબેડામાં ભારે દોડધામ મચી જવા પામી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીધામ શહેરના 9બી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રાત્રિના 8.30 વાગ્યાના અરસામાં આ ખૂનની ખેલ ખેલાયો હોવાનું જાણવા મળ્યું હતું. ખાનગી કંપનીમાં નોકરી કરતા અને બે બાળકના પિતા એવા રાજેશભાઈને અજાણ્યા શખ્સોએ ગળાના ભાગે તથા છાતીના ભાગે સહિતના શરીરના જુદા-જુદા ભાગોમાં તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. ઘટનાને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાન રાજેશભાઈને  સારવાર કારગત નીવડે તે પહેલા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ હત્યારા કોણ હતા, શું હતું કારણ તે સ્પષ્ટ થઈ શક્યું ન હતું. આ પ્રકરણમાં સામેલ આરોપીને પકડી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે.

બીજી ઘટના ભુજના સીતારા ચોક ભીડ ગેટ બહાર નાગોરી વાડી વિસ્તારમાં  સાંજના અરસામાં બનવા પામી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર આરોપી હુસેન મજીદ મેમણ અને અબ્દુલ આદમ મેમણ નામના આરોપી આમંત્રણ વિના  નિકાહમાં આવ્યા હતા. જે બાબતે  મૃતક સોયેબના સાથે આવેલા આ બે આરોપીની બોલાચાલી થઈ હતી. બે પક્ષો વચ્ચે થયેલ બોલાચાલીમાં છરીના ઘા વાગવાથી સોયેબનું મૃત્યુ થયું હતું. તો સામા પક્ષે હુસેનભાઈને પણ છરીની ઈજા પહોંચી હોવાના અને હાલમાં ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ હોવાના અહેવાલ સાંપડયા હતા. આ પ્રકરણમાં પોલીસે બંને પક્ષકારોના નિવેદન લઈ ફરિયાદ નોંધવા સાથેની કવાયત હાથ ધરી છે.