સસ્તા સોનાના નામે કેરાલાના યુવક સાથે ૧૨ લાખની ઠગાઈ આચરાતા ફરિયાદ નોંધાઈ

કેરાલાના યુવકને સસ્તા સોનાના નામે અંજાર બોલાવી, ૧૨ લાખ રૂપિયા મેળવી લઈ સોનું ન આપી વિશ્વાસઘાત કે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે.  

આ અંગે કેરાલામાં રહેતા અને ટ્રાવેલ્સનું કામ કાજ કરતાં વિશ્વજીત ચંદ્રને પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તા.૧૩-૫ના તેમના મિત્ર સીબીન બાલાએ જાણાવેલ કે, ગુજરાતમાં અંજાર ખાતે સસ્તામાં સોનું મળે છે, જેથી ફરિયાદીએ સસ્તામાં સોનું લેવા સમતી દર્શાવી હતી. ત્યારબાદ ફરિયાદી તા. ૨૧-૫ના પોતાના મિત્ર તાજઉદીન સાથે અંજાર આવ્યા હતા. અંજાર પહોચતા ફરિયાદી તથા તેમના મિત્રને યુવરાજ નામનો શખ્સ ગાડી દ્વારા લેવા આવેલ અને યુવરાજ બંનેને એક ઘરમાં લઈ ગયેલ જ્યાં પટેલ નામનો શખ્સ પહેલાથી જ હાજર હતો. જ્યાં પટેલ સાથે સોના બાબતે વાતચીત થતાં તેમણે જણાવેલ કે સોનું ખરીદવું હોય તો રોકડા રૂપિયા આપવાના રહેશે. જેથી ફરિયાદી પાસે રોકડ ન હોતા તેઓ ત્યાથી પરત અમદાવાદ ફરી ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે ફરી તેમના મિત્ર સીબીન સાથે વાતચીત થતાં સીબીને જણાવ્યુ હતું કે, બેંકથી પણ વ્યવહાર થઈ સકશે. જેથી ફરિયાદી ફરી મિત્ર સાથે અંજાર પહોચ્યા હતા. જ્યાં તેમની યુવરાજ, પટેલ તથા અન્ય એક શખ્સ સાથે મુલાકાત થઈ હતી. ફરિયાદીએ ૫ લાખ રોકડ તથા બીજા રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે આરોપીએ સોનું ન આપી ગાડી લઈ ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ફરિયાદીને ફોન આવેલ કે ચેકિંગ ચાલુ છે તમે અમદાવાદ જાઓ તમને સોનું મળી જશે. જેથી ફરિયાદી તથા તેમના મિત્રે અમદાવાદ પહોચી ફોન ટ્રાય કરતાં ફોન બંધ હોવાનું જણાઈ આવ્યું હતું. ફરિયાદીએ આ અંગે પોતાના મિત્ર સીબીન સાથે વાત કરતાં તેણે પૈસા અથવા સોનું અપાવી દેશે તેવું જણાવ્યુ હતું. પરંતુ આજદિન સુધી ૧૨ લાખ રૂપિયા કે સોનું ન મળતા પોતાની સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.