નલીયાના મજીદભાઈ મેમણની સરકારી નાણાની ઉચાપત અને તેઓ સાથે થયેલ ઠગાઈ તેમજ છેતરપીંડીની ફરિયાદ અરજી માં નલીયા કોર્ટે સી.આર.પી.સી કલમ ૧૫૬(૩) મુજબની કાર્યવાહી કરીને ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવા પોલીસને આદેશ કરેલ

અબડાસા તાલુકાના નલિયાના મજીદભાઈ મેમણ દ્વારા તા : ૧૯/૦૯/૨૦૨૨ ના રોજ નલીયા કોર્ટમાં લાખણીયા ગામના રજાક અલીમામદ ઉઠાર, જખૌ જૂથ ગ્રામ પંચાયતના તલાટી જગદીશસિંહ જાડેજા અને જખૌ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ લાખાજી અબડા વિરુધ્ધ આઈ.પી.સી ની કલમો ૪૦૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૨૦, ૪૦૬ અને ૧૧૪ મુજબની ફરિયાદીની જાણ બહાર કાંકરી રેતી ના બીલો અન્ય વ્યક્તિઓના નામે બેંકમાં જમા કરાવી સરકારના નાણાની ઉચાપત કરી ફરિયાદીના કામના નાણા આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમાં લઇ ફરિયાદી સાથે ઠગાઈ અને છેતરપીંડી કરી હોવાથી તેઓ સામે ફોજદારી ફરિયાદ દાખલ થવા બાબતે અરજી કરેલ. જે અરજીમાં ફરિયાદીએ જણાવેલ છે કે, જખૌ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ સરકારી કામ સીસી રોડ અને દીવાલ બનાવવાનો કોન્ટ્રેકટ રજાક ઉઠાર ને આપેલ હતો. જે કામમાં ફરિયાદીએ રેતી-કાંકરી પહોંચાડતા અને રોયલ્ટી સરકારી નીતિ નિયમો અનુસાર જમા કરાવતા, માલના રૂપિયા તેઓને ચેક મારફતે અને કયારેક ઓનલાઈન બેંક ખાતામાં જમા કરાવી આપવામાં આવતા હતા. સીસી રોડ તથા દીવાલના કામ માટે રૂપિયા આઠ લાખ એક્યાસી હજાર ત્રણસો ચોપ્પનની રેતી-કાંકરી સપ્લાય કરેલ. તેમાંથી રૂપિયા પાંચ લાખ બત્રીસ હજાર ત્રણસો સોળ તેઓના તેઓને જમા કરાવવામાં આવેલ, જયારે બાકી રહેતા રૂપિયા ત્રણ લાખ ઓગણ પચાસ હજાર અડતાલીસ તેઓને આપવામાં આવેલ નહી અને આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદેસર રીતે રોયલ્ટી વિના બોગસ અને બનાવતી બીલો ઉભા કરીને અન્ય વ્યક્તિઓના બેંક ખાતામાં જમા કરાવી દીધેલ. જેથી ફરિયાદીને પણ આરોપીઓએ આર્થિક નુકશાની કરેલ.

અરજી અનુસંધાને તારીખ : ૨૯/૦૫/૨૦૨૩ ના રોજ નલીયા કોર્ટે સી.આર.પી.સી. ની કલમ ૧૫૬(૩) મુજબની આગળની કાર્યવાહી કરીને તે અંગેનું ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવા માટે પોલીસને આદેશ કરેલ છે. નલીયા કોર્ટમાં મજીદભાઈ મેમણની ફરિયાદ અરજી વકીલ એ. એચ. લોધરાએ રજુ કરેલ અને ફરિયાદી પક્ષે ધાર ધાર દલીલો કરેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે, જખૌ જૂથ ગ્રામ પંચાયતના તલાટી જગદીશસિંહ ઉપર અગાઉ પણ જબરાવાંઢ ગામે પીવાના પાણીના અવાડા અને પાણીની પાઈપલાઈનના વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર અને ઉચાપત આચર્યો હોવા બાબતની કચ્છ જીલ્લા વિકાસ અધિકારીને જખૌના જાગૃત નાગરિકો દ્વારા રજુઆતો કરવામાં આવેલ છે, જેની નોંધ પણ લેવામાં આવેલ છે. અને તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરવા માટેના આદેશો પણ આપવામાં આવેલ છે. જયારે જે તે સમયના જખૌ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ લાખાજી અબડા પર તારીખ ૨૪/૧૨/૨૦૧૯ ના રોજ જખૌ પોલીસ મધ્યે મનરેગા યોજના, ૧૪મુ નાણાપંચ અને સીએસાર એક્ટીવીટી માં સરકારી નાણાની ઉચાપત અને ભ્રષ્ટાચાર આચર્યો હોવા બાબતેની અગાઉ ફોજદારી ફરિયાદ પણ દાખલ થયેલ છે.