ખારોઈ માર્ગે પર બાઈક ચાલકને અટકાવી 1.27 લાખની માલમતાની ચીલઝડપ કરી 2 લૂંટારુ ફરાર

 

ખારોઈ માર્ગે બાઈક પર જઈ રહેલ યુવકને અટકાવી તેની પાસે રહેલ રોકડ રૂપિયા , જરૂરી દસ્તાવેજનો બેગ તથા સોનાની ચેનની લૂંટ ચલાવી 2 શખ્સો છૂમંતર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.  

આ અંગે ભચાઉ તાલુકાના કકરવામાં રહેતા અને ખારોઈમાં આશાપુરા મોબાઈલની દુકાન તથા અંબુજા સિમેન્ટની એજન્સી સાથે જોડાઈને કામ કરતા અજીતસિંહ બળવંતસિંહ જાડેજાએ બે અજાણ્યા આરોપી વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

ફરિયાદી યુવાન પોતાની દુકાન બંધ કરી ઘર તરફ  આવી રહ્યા હતા. તે દરમિયાન ખારોઈથી આગળ જતા કપુર માતાજીના મંદિર પાસે  મોટરસાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્શોએ ફરિયાદીને અટકાવ્યા   હતા. આરોપીઓએ ફરિયાદી પાસેથી વેપારના રોકડા રૂા.77 હજાર અને જરૂરી દસ્તાવેજ સાથેનો થેલો તેમજ ગળામાંથી બે તોલાની સોનાની ચેઈન રૂા.50 હજારની  ચીલઝડપ કરી નાસી ગયા હતા. આ ઘટના ગત તા.30/5ના રાત્રિના 9.30થી 10 વાગ્યાના અરસામાં બની હતી. પોલીસે અજાણ્યા લૂંટારુ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.