અબડાસાના શખ્સ સહિત બિશ્નોઈ ગેંગના ત્રણ આરોપી 17.60 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયા

હાથ કડી

સુરેન્દ્રનગરમાં 17.60 લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બિશ્નોઈ ગેંગના ત્રણ સાગરિતો ઝડપાયા,  જેમાં એક અબડાસાના વાંકુનો વિક્રમસિંહ બળવંતસિંહ જાડેજા છે. જે હત્યાનો આરોપી છે અને હાલમાં જ પેરોલ પર છૂટયો હતો.

કુખ્યાત બિશ્નોઈ ગેંગના ત્રણ શખ્સ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લાવી હેરાફેરી કરવાના હોવાની બાતમીના આધારે એલસીબી અને પેરોલ ફલો સ્ક્વોડના સ્ટાફે ગોકુલ હોટલ પાસે આવેલ શિવસંગાથ હિલ્સ એપાર્ટમેન્ટમાં દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા પંજાબ પંથકના અક્ષય રામકુમાર ડેલુ બિશ્નોઈ, અંકિત વિષ્ણુરામ કાક્કડ બિશ્નોઈ તેમજ બે મહિના પૂર્વે  લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ દ્વારા રાજસ્થાનમાં જૈન વેપારીને ધમકાવી રૂા. પ0 લાખની ખંડણીની માગણી કરવાના ગુનામાં ફરાર અને કચ્છમાં ખૂનના ગુનામાં પકડાયેલા અને રાજકોટ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા અને દસ દિવસની પેરોલ પર છૂટયા બાદ ફરાર થઈ ચૂકેલા વિક્રમસિંહ બળવંતસિંહ જાડેજાને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રૂા. 17.60 લાખની કિંમતના 176 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સમળી આવ્યો હતો. પોલીસે ત્રણેય શખ્સ પાસેથી ડ્રગ્સ તેમજ પાંચ મોબાઇલ, એક ડોંગલ સહિત રૂા. 17.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.