લોન કરાવી આપવાના બહાને ભુજના યુવાન સાથે 3.22 લાખની ઠગાઇ આચરાઈ
શેરબજારનું કામ કરતા મૂળ મોટા કપાયાના જિગરભાઇ પ્રેમજીભાઇ શાહ (ઉ.વ. 54) સાથે લોન કરાવી આપવાના નામે રૂા. 3,22,100ની ઠગાઇ તથા વિશ્વાસઘાત થતાં તેમણે આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર ભુજની ધાટિયા શેરીમાં રહેતા જિગરભાઇ નિત્યક્રમ મુજબ માધાપર સ્થિત યક્ષ મંદિરે દર્શને જતા હતા, ત્યાં તેમની મિત્રતા મૂળ ભચાઉના અને માધાપર મધ્યે રહેતા તથા લોનના વ્યવસાય સાથે જોડાયેલા રાજેન્દ્રભાઇ વનરાજભાઇ રાજપૂત સાથે થઇ હતી. ફરિયાદીને 25 લાખની લોનની જરૂરિયાત હોવાથી આરોપી રાજેન્દ્રએ તેને ડોક્યુમેન્ટ વોટ્સએપ કરવા કહ્યું હતું. થોડા સમય પછી પ્રોસેસિંગ ફી માટે 21 હજાર તથા સિક્યુરિટી પેટે અઢી લાખ આપવા પડશે તેવી વાત કરી હતી. બાદ 50 લાખની લોન કરાવવી હશે તો થઇ જશે તેમ જણાવી પ્રોસેસિંગ ફી તથા સિક્યુરિટી પેટે વધુ રકમ જમા કરાવવા જણાવ્યુ હતું. જેથી ફરિયાદી જિગરભાઇએ તેના મિત્ર વિશાલ અશ્વિનભાઇ નિશારને વાત કરતાં જુદી જુદી તારીખે ફરિયાદીએ આરોપીને ગૂગલ પે દ્વારા ખાતામાં સિક્યુરિટી પેટે 2,80,100 તથા પ્રોસેસિંગ ફીના 42,000 મળી કુલ રૂા. 3,22,100 આપ્યા હતા.
ત્યારબાદ વ્યવસાય માટેની લોન અંગે ફરિયાદીએ આરોપીને ફોન કરતાં તેમણે કોઇ જવાબ ન આપતાં ફરિયાદી ભચાઉ મધ્યે આરોપીના ઘરે ગયા ગયા હતા. ત્યાં આરોપી હાજર ન મળતાં ફરી ફોન કરતાં સાંજે માધાપર આવીને મળવાની વાત કરી હતી, પરંતુ ત્યાં પણ ન આવ્યા ન હતા. જેથી ફરિયાદીએ આરોપી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.