જખૌના વિકાસકામ દરમ્યાન 3.49 લાખની ઉચાપત થતાં ફરિયાદ નોંધાઈ

અબડાસા તાલુકાના જખૌ ગામના વિકાસકામમાં સરકારી નાણાંની ઉચાપતની ફરિયાદ સરપંચ, તલાટી અને કોન્ટ્રાક્ટર સામે નોંધાઇ છે. ફરિયાદમાં લખાવેલી માહિતી અનુસાર જખૌ ગામમાં સી.સી. રોડ તથા દીવાલનાં કામ માટે સરપંચ લાખાજી પાંચુભા જાડેજા તેમજ તલાટી મંત્રી જગદીશસિંહ જેઠભા જાડેજા દ્વારા લાખણિયાના ઠેકેદાર રજાક અલીમામદ ઉઠારને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદી અબ્દુલ મજીદ મામદ મેમણે રૂા. 8,81,354નો રેતી-કાંકરી તથા અન્ય માલ મોકલાવ્યો હતો, જે પેટે તેને રૂા. 5,32,316 ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકી 3,49,048ની રકમ ન ચૂકવાતાં હકીકત સામે આવી હતી.

બાકી નીકળતી રકમના નાણાં બનાવટી બિલ ઊભા કરી તથા વ્યક્તિગત ખાતામાં જમા કરાવી ફરિયાદી તથા સરકાર સાથે સરપંચ, તલાટી તથા કોન્ટ્રાક્ટરે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. આરોપી કોન્ટ્રાક્ટર રજાકનો પુત્ર એમ. આર. કન્સ્ટ્રક્શન નામની પેઢી ચલાવે છે, કાંકરી-રેતી મોકલવા પેટે 42,309 રૂપિયા તેના ખાતામાં જમા કરાવાયા હતા, તો સરપંચ લાખાજી તથા તલાટી જગદીશસિંહ દ્વારા 49,563નો ચેક આપવામાં આવ્યો હતો ઉપરાંત ગ્રામ પંચાયતના વાઉચર બનાવી અપાયા હતા. જ્યારે રેતી-પથ્થર સપ્લાય માટે નોડે અબ્દુલા ઇસ્માઇલના નામે 43,800નું બિલ બનાવવામાં આવ્યું, જે માલ ફરિયાદી દ્વારા મોકલવામાં આવ્યો હતો, ત્યારબાદ જુદી જુદી રકમના વાઉચર બનાવી કુલે 95,307 ઉપરોક્ત વ્યક્તિના ખાતામાં જમા કરાવાયા હતા, જે અંગે તપાસ કરવામાં આવે તો હકીકત સામે આવે તેમ છે તેમ જણાવાયું હતું.

 સદાયા જનરલ સ્ટોર નામની હાર્ડવેરની દુકાનનાં નામે રેતી-પથ્થર પેટે 44,530 રૂપિયાનું તારીખ વગરનું બિલ બનાવવામાં આવ્યું હતું અને રૂા. 77,590નો સેલ્ફનો ચેક બનાવી ખોટા વાઉચર બનાવી સરકારી ગ્રાન્ટનો ગેરઉપયોગ કરાયો અને જુદા જુદા બિલ-વાઉચરથી આ રકમનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કરાયો હોવાની વિગતો ફરિયાદમાં જણાવાઈ છે. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.