અજાપરની એક પ્લાયવુડ કંપનીમાંથી 1.50 લાખની કિંમતની એલ્યુમિનિયમની પ્લેટોની તસ્કરી

અંજાર તાલુકાની અજાપર સીમ ખાતે આવેલી એન.કે નામની પ્લાયવુડ કંપનીમાંથી કોઈ અજાણ્યા ઈસમોએ 1,50,000ની કિંમતની કુલ 50 એલ્યુમિનિયમની પ્લેટો ચોરી થઈ હોવાની ફરિયાદ કંપનીના એક પાર્ટનરે અંજાર પોલીસ મથકે નોંધાવી છે.

અંજારના સતાપર રોડ પાસે આવેલ માધવ વિલા સોસાયટીમાં રહેતા અને અજાપર સીમ ખાતે આવેલી એન.કે પ્લાયવુડ કંપની ચલાવતા દિનેશ મણીલાલભાઈ લીંબાણીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, એન.કે પ્રાઇવેટ કંપનીમાં તેઓ અને તેમના ત્રણ ભાઈઓ પાર્ટનર તરીકે કંપનીમાં સહભાગી છે. તેઓ ચારેય જણા એક સોસાયટીમાં રહેતા હોવાથી દરરોજ કંપનીમાં પણ સાથે જ અવર-જવર કરતાં હોય છે.

તા.1-6ના સવારમાં ચારેય પાર્ટનર નવ વાગ્યાના અરસામાં કંપની પહોંચ્યા તે સમયે કંપનીના મેનેજરે  કંપનીના પ્રેસ વિભાગમાં રાખેલી એલ્યુમિનિયમની પ્લેટો ચોરી થઈ હોવાની જાણ કરી હતી. ચોરીની જાણ થતા ચારેય પાર્ટનરે તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ અજાણ્યા ઈસમો કંપનીની ચારે બાજુ બાઉન્ટ્રી વાળી દીવાલ કૂદી પ્રેસ વિભાગનો દરવાજો ખોલી 1.50 લાખની તસ્કરી આચરી નાસી ગયા હતા.

ચોરીની આ ઘટના તા.31-5ના રાત્રિના આઠ વાગ્યાથી તા.1-6ના સવારના 8 વાગ્યા સુધીના અરસામાં બની હતી.  પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.