ભચાઉના બંધડી પાસે નમક ભરેલુ ડંપર અચાનક આગની જ્વાળાઓથી ઘેરાયુ, ફાયર વિભાગે આગ બુઝાવી

ભચાઉ તાલુકાના કડોલ નજીક આવેલા રણમાંથી નમક ભરીને ભચાઉ તરફ જતા એક ડંપરમાં ગત મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. નમક પરિવહન કરતું ડંપર બંધડી ગામ પાસે પહોંચતા અચાનક તેમાં કોઈ કારણોસર આગ ભભૂકી હતી અને જોતજોતામાં સંપૂર્ણ ડંપરમાં ફેલાઈ ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો પરંતુ ડંપર મોટાભાગે સળગી જતા ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાના પગલે ભચાઉ ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયું હતું અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

ઉનાળા સમયમાં એક બાદ એક આગની ઘટનાઓ સામે આવી રહી છે. વિવિધ સ્થળે આગના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેના વચ્ચે ગત મોડી રાત્રે લાખો રૂપિયાની કિંમતના ડંપરમાં આગની ઘટના બની હતી. મોડી રાત્રે કડોલ તરફથી ભચાઉ બાજુ જતું એક નમક ભરેલું ડંપર બંધડી ગામ પસાર કર્યા બાદ અચાનક સળગી ઉઠ્યું હતું. ચાલક કેબિનથી શરૂ થયેલી આગ બાદમાં એક બાદ એક ટાયરમાં ફેલાઈ ગઈ હતી અને જોતજોતામાં સમગ્ર ડંપરમાં ફેલાઈ ગઈ હતી. જોકે બાદમાં પહોંચી આવેલા ભચાઉ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી વધુ નુકશાની થતા અટકાવી હતી.