અંજારના વીડીમાં બે યુવાન પર શખ્સનો છરી વડે હુમલો
અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ અંજાર તાલુકાના વીડી ગામે રહેતા અરવિંદભાઈ ઇલિયાસભાઈ કોલીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગતરાત્રે તેઓ દાંડિયારાસના પ્રોગ્રામમાં ગયેલ હોય, સાઈડમાં ઊભા રહેલ હતા દરમિયાન તેમના કૌટુંબિક ભાઈના દીકરાને તેમના ગામનો રાજેશ શામજી કોલી નામનો શખ્સ બે વર્ષ અગાઉ થયેલ ઝઘડા દરમિયાન થયેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ઝઘડો કરી તથા જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો, જેથી તેમને સમજાવવા જતા રાજેશ કોલીએ વધુ ઉશ્કેરાઈ જઈ, હાથમાં રહેલ છરી પેટના ભાગે મારી લીધેલ ત્યારે અરવિંદને છોડાવવા જતા બાબુ સવા કોલીને પણ પેટના ભાગે છરી મારી આરોપી નાસી ગયેલ છે. ફરિયાદી તથા વચ્ચે પડેલ ઇસમને છરી વાગતા બંને બેભાન થઈ ગયેલ હતા. અને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, તેઓને પ્રથમ અંજાર સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં બંને ઇજાગ્રસ્તો આજે સવારમાં ભાનમાં આવેલ છે. અંજાર પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.