ભીમાસર ભુટકીયા પાસે બે બાઈક ટકરાતાં બે યુવાનનાં તત્કાળ મોત

રાપર તાલુકાના આડેસર-રાપર રોડ ઉપર ભીમાસર પાસે સાંજના અરસામાં બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં તુલસી પ્રભુ મકવાણા (ઉ.વ. 30) અને કમલેશ રાઘુ કોલી (ઉ.વ. 20)એ જીવ ગુમાવ્યા હતા, જ્યારે બે જણને ઈજા પહોંચી હતી. બનાવનાં પગલે તાલુકામાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક વિગતો મુજબ આ બનાવ આજે સાંજે 6.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. ભીમાસર ભુટકિયા રોડ ઉપર આવેલા રવેચી પાટિયા પાસે બે બાઈક વચ્ચે મોંભેર ટક્કર થઈ હતી. બાઈકમાં સવાર ચારે જણને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. હતભાગી બન્ને યુવાનાનું સારવાર મળે તે પૂર્વે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. બાઈકમાં સવાર લક્ષ્મીબેન કોલી અને નિલાભાઈ કોલીને હળવાથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક સારવાર રાપર ખાતે અપાયા બાદ વધુ સારવાર માટે સામખિયાળી ખાતે ખસેડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાપર-આડેસર રોડ ઉપર માર્ગ અકસ્માતના બનાવમાં મહામૂલી જિંદગીનો ભોગ લેવાયો છે. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. રાપર સરકારી હોસ્પિટલ ખાતે પરિવારજનો પહોંચી ગયા હતા.પરિવારજનોના આક્રંદથી ગમગીની છવાઈ હતી