અંજારના યુવક પર વ્યાજ ઉઘરાણી માટે ધોકા વડે હુમલો કરતાં 2 શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

અંજારના યુવાનને  નાણા મુદ્દે બે શખ્સોએ ધોકા વડે માર મારી અસ્થિભંગ સહિતની ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે.

આ અંગે અંજારના શેખટીંબામાં રહેતા ફકીરમામદ ભચલશા શેખે ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, ફરિયાદીના સેઠે અલીશા શેખે એકાદ વર્ષ પહેલા મયુરસિંહ જાડેજા રહે, મોટી ખેડોઈ પાસેથી વીસ ટકા વ્યાજે રૂ.10 હજાર લીધા હતા. જેની સામે 50 હજાર ભરી નાખ્યા હતા. તેમ છતાં નાણાની માંગણી કરાતી હતી. તેઓ તેમના સેઠના અલીશાના ભંગારના વાડાની ચોકી કરી રહ્યા હતા તે દરમિયાન રાત્રિના આશરે 1 વાગ્યાના અરસામાં આરોપી મયુરસિંહ જાડેજા તથા વિશાલ બાવાજી વાડા પર ધસી આવી ગાળો આપી ધોકાથી માર માર્યો હતો અને વાડા સંચાલકને બોલાવવાનું કહી ગાડીમાં આવવા કહ્યું હતુ. છનાળા રોડ પાસે પણ યુવાનને માર માર્યો હતો. ત્યારબાદ વ્યાજે લીધેલા નાણા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.